શિવસેનાના 54 ધારાસભ્યો લાયક કે ગેરલાયક? સ્પીકર આપશે ચુકાદો
- સ્પીકર રાહુલ નાર્વેકર બુધવારે શિવસેનાના ધારાસભ્યો લાયક કે ગેરલાયક પર પોતાનો નિર્ણય આપશે
- આ નિર્ણય પર મહારાષ્ટ્રના રાજકીય પક્ષો ઉપરાંત સમગ્ર દેશની નજર રહેશે
- સુત્રોના જણાવ્યા પ્રમાણે આ નિર્ણય 1200 પેજનો હશે
મુંબઈ, 08 જાન્યુઆરી: મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર 10 જાન્યુઆરીએ શિવસેનાના ધારાસભ્યો લાયક કે ગેરલાયક અંગેના તેમના નિર્ણયની જાહેરાત કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર 10 તારીખે સાંજે 4 વાગ્યે પોતાનો નિર્ણય આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 1200 પેજનો ચુકાદો છે. સ્પીકરને 34 પિટિશન દાખલ કરવામાં આવી હતી જેમાં 6 જૂથો બનાવવામાં આવ્યા હતા. દરેક જૂથનો ચુકાદો 200 પાનાનો હશે.
સુપ્રીમ કોર્ટે અંતિમ તારીખ 10 જાન્યુઆરી નક્કી કરી
સુપ્રીમ કોર્ટે શિવસેનાના ધારાસભ્યોને લાયક કે ગેરલાયક ઠેરવવાના કેસમાં ચુકાદો આપવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી નક્કી કરી છે. નિર્ણય પહેલા સ્પીકર રાહુલ નાર્વેકરે રવિવારે બપોરે સીએમ એકનાથ શિંદે સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે મુલાકાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને લંચ પર મળ્યા હતા અને આ બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ મુલાકાતથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી હતી, ત્યારે એસેમ્બલીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે નાર્વેકરના મતવિસ્તાર, કોલાબા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પૂર્વ નિર્ધારિત બેઠક થઈ હતી.
શિવસેનાના 54 ધારાસભ્યો પર નિર્ણય લેવામાં આવશે
વિધાનમંડળના અધિકારીઓએ જણાવ્યું હતું કે નારવેકર તેમની સમક્ષ દાખલ કરાયેલી 34 અરજીઓના આધારે સેનાના 54 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લેવા માટે આદેશ લખશે. અંતિમ દલીલમાં શિંદે જૂથના વકીલોએ દાવો કર્યો હતો કે તેમના મતદારો નારાજ હોવાથી તેમણે MVA ગઠબંધ છોડી દિધુ હતું, અને પોતાનું જૂથ બનાવી સરકારમાં જોડાવું એ ગેરલાયકાત નથી.
શિંદેના બળવાને કારણે પડી ભાંગી હતી ઉદ્ધવ સરકાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે તેમણે 2022માં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે બળવો કરીને અને પક્ષમાં ભાગલા પાડીને શિવસેનાને બચાવવાની યોજના બનાવી હતી. શિંદેએ પુણે જિલ્લાના રાજગુરુનગરમાં ‘શિવ સંકલ્પ’ રેલીમાં લોકસભા ચૂંટણી માટે તેમના નેતૃત્વ હેઠળના શિવસેના જૂથના પ્રચારની શરૂઆત કરતી વખતે શિંદેએ કહ્યું, “મેં ઈમાનદારીની સાથે અને પક્ષને બચાવવાના ઈરાદા સાથે નિર્ણય લીધો હતો”. શિંદેના બળવાના કારણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની ગઠબંધન સરકાર પડી ગઈ હતી, ત્યારબાદ તેઓ ભાજપ સાથે ગઠબંધન કરીને મુખ્યમંત્રી બન્યા હતા.
આ પણ વાંચો: રાજસ્થાનમાં કરણપુર બેઠકની પેટા-ચૂંટણીમાં ભાજપની હાર, કોંગ્રેસના રૂપિન્દરસિંહ જીત્યા