અમદાવાદ, 8 જાન્યુઆરી 2024, વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન સુરક્ષા અને સલામતી અંગે પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોવાથી અમદાવાદમાં મોટી લૂંટ થતાં અટકી છે. ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદમાં મોટા જ્વેલર્સ શો રૂમમાં લૂંટ થવાની ઘટના અટકાવી છે અને યુપી ગેંગના 6 સભ્યોની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો શહેરમાં કોઈ મોટા જ્વેલર્સના શોરૂમને ટાર્ગેટ કરી લૂંટ કરવાના ઇરાદે આવ્યા હતા. પરંતુ તેઓ તેમના પ્લાન પર સફળ થાય તે પહેલા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાણી ફેરવી દીધું હતું.
74 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ગઈકાલે પાલડી મ્યુઝિયમ AMTS બસ સ્ટેન્ડ પાસે રોડની ફૂટપાથ પરથી ઉત્તર પ્રદેશના છ લોકોની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા 6 લોકો યુપીમાં પોતાની ગેંગ ચલાવે છે અને અલગ અલગ ગુનામાં અનેક વખત પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. પોલીસે સાહિદઅલી પઠાણ, રાજેન્દ્રસિંગ જાટવ, લેખરાજ રોશનસિંગ બિહારી યાદવ, સત્યરામ ઉર્ફે વિદાયક યાદવ, લેખરાજ સોનપાલ યાદવ તેમજ રવિ ફકીરને ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓ પાસેથી 3 નંગ દેશી તમંચા, 18 નંગ મોટા કારતુસ, ત્રણ મોબાઈલ ફોન, બે ખાતરિયા, એક કટર, બે સ્ક્રુ ડ્રાઇવર, તેમજ રોકડા રૂપિયા મળીને 74 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
100 જેટલા ગુનાઓ ઉત્તર પ્રદેશમાં નોંધાઈ ચૂક્યા છે
પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં અલગ અલગ ગુનાઓ નોંધાયો છે. જેમાં હત્યા, લૂંટ, હથિયારોની હેરાફેરી, ગેંગસ્ટર એક્ટની કલમ સહિત તમામ આરોપીઓ મળી 100 જેટલા ગુનાઓ ઉત્તર પ્રદેશમાં નોંધાઈ ચૂક્યા છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા ખૂંખાર આરોપીઓ અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં અલગ અલગ જગ્યાઓ પર લૂંટ, ધાડ, હથિયારની હેરાફેરી, હત્યા, હત્યાની કોશિશ, ગેંગસ્ટર એક્ટ સહિતના બનાવો અને અંજામ આપી ચૂક્યા છે. આ તમામ આરોપીઓને ઉત્તરપ્રદેશની લોકલ પોલીસ ઓળખી ગઈ હોવાથી તેમણે લૂંટ માટે અમદાવાદ પસંદ કર્યું હતું.
શિવરંજની વિસ્તારમાં જ્વેલર્સની રેકી પણ કરી હતી
અમદાવાદ શહેરમાં તેમણએ સી.જી.રોડ તેમજ શિવરંજની વિસ્તારમાં જ્વેલર્સની રેકી પણ કરી હતી. તેમણે કોઈ એક મોટા શોરૂમમાં હથિયાર વડે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ તમામ આરોપીઓ ગુજરાતમાં પ્રથમ વખત જ આવ્યા હોવાનું સામે આવે છે. ક્રાઈમ બ્રાન્ચ અગાઉ આ છ આરોપીઓએ અમદાવાદ અથવા તો ગુજરાતમાં કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે ઉપરાંત ખરેખર આ તમામ આરોપીઓનો શું પ્લાન હતો અને અન્ય કોઈ લોકલ વ્યક્તિ આ ગેંગ સાથે જોડાયેલ છે કે કેમ તેની પોલીસ હવે તપાસ કરી રહી છે.
આ પણ વાચોઃ અમદાવાદથી ગાંધીનગર જતાં પહેલા આ ખાસ વાંચો, વાઇબ્રન્ટ સમિટના કારણે આ રસ્તાઓ બંધ રહેશે