બુલેટ ટ્રેનઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે જમીન સંપાદનનું કામ 100% પૂર્ણ
અમદાવાદ, 08 જાન્યુઆરી: મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે 100% જમીન સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ અંગેની જાણકારી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી. ગુજરાત, DNH અને મહારાષ્ટ્રમાં 100% જમીન સંપાદન કાર્ય પૂર્ણ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ગુજરાત અને મહારાષ્ટ્ર માટે તમામ સિવિલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. જાપાનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતી MAHSR કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રીટ (RC) ટ્રેક બેડ નાખવાનું કામ સુરત અને આણંદમાં શરૂ થયું છે. આ સિવાય, ભારતમાં પહેલીવાર જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
#BulletTrainProject
Land acquisition -100%
Pier Casting – 268.5 Km
Girder Launching -120.4 Km pic.twitter.com/jiVwiDegrv— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 8, 2024
સુરતમાં પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવાયો
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરતમાં 70 મીટર લાંબો અને 673 મેટ્રિક ટન વજનનો પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આવા 28 માંથી 16 બ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ છે. MAHSR કોરિડોર પરના 24 નદી પુલોમાંથી છ નદીઓ પર પુલ બાંધવામાં આવ્યા છે. જેમાં વલસાડની પાર, ઔરંગા અને વેંગણીયા તેમજ નવસારીની પૂર્ણા, મીંઢોલા અને અંબિકા એમ છ નદીઓ પર નિર્માણ કાર્ય ચાલુ છે. આ ઉપરાંત, નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી જેવી અન્ય નદીઓ પર કામ ચાલી રહ્યું છે. સાથોસાથ, આ પ્રોજેક્ટ હેઠળ ભારતની પ્રથમ 7 કિમી લાંબી અન્ડરસી રેલ ટનલ પર કામ શરૂ થઈ ગયું છે, જે મહારાષ્ટ્રમાં BKC અને શિલફાટા વચ્ચેની 21 કિમી લાંબી ટનલનો એક ભાગ છે.
ગુજરાતમાં બુલેટ ટ્રેનની કામગીરી તેજ ગતિએ
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર કામગીરી ચાલુ છે. વાપી સ્ટેશન પર 200 મીટર અને બીલીમોરા સ્ટેશન પર 288 મીટર રેલ લેવલ સ્લેબનું કાસ્ટિંગ પૂર્ણ થયું છે. જ્યારે સુરત સ્ટેશન પર પ્લેટફોર્મ લેવલના સ્લેબનું કાસ્ટિંગ શરૂ થઈ ગયું છે અને 557 મીટરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમ, હાલમાં 8 સ્ટેશન પર કામગીરી વિવિધ તબક્કામાં ચાલી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર, ભલભલા એરપોર્ટને ઝાંખું પાડી દે તેવું સૌદર્ય !