38મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અરોહણ સ્પર્ધામાં અનેક સ્પર્ધકો ઝળહળ્યા
- ગિરનાર સર કરવા 1137 સ્પર્ધકોએ દોટ મૂકી હતી
- ૩૮.૨૭ મિનિટના સમય સાથે સિનિયર બહેનોમાં જાડા રીંકલબેન પ્રથમ
- ૧ કલાક ૧૪ સેકંડના સમય સાથે સિનિયર ભાઈઓમાં પરમાર લાલાભાઈ પ્રથમ
જૂનાગઢ, 08 જાન્યુઆરી: 38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તારીખ 07 જાન્યુઆરીએ યોજાઈ હતી. જેમાં જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા સિનિયર ભાઈઓ-બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ 4 કેટેગરીમાં 1137 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. પવિત્ર ગિરનારની ભૂમીમાં સવારે ખુશનુમા વાતાવરણમાં ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, ડેપ્યુટી કમિશનર ઝાંપડા જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ પણ ફ્લેગ ઑફ કરવા માટે જોડાયાં હતાં અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે બહેનોની સ્પર્ધાનો ૯-૩૦ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો.
સ્પર્ધામાં અનેક સ્પર્ધકો ઝળહળ્યા
આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં ૩૮.૨૭ મિનિટના સમય સાથે સુરેન્દ્રનગરના જાડા રીંકલબેને મેદાન માર્યું હતું. જ્યારે જુનિયર બહેનોમાં ૩૯.૨૫ મિનિટના સમય સાથે જૂનાગઢની વિધાર્થિની ગરેજા જશુબેનએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. સિનિયર બહેનોમાં બીજા ક્રમે કટેશીયા નીતાબેને ૩૯.૫૮ મિનિટ સાથે, ત્રીજા ક્રમે વાળા પારૂલબેને ૪૦.૩૪ મિનિટમાં મેદાન માર્યું હતું. જુનિયર બહેનોમાં બીજા ક્રમે કમારીયા જયશ્રી ૪૨.૦૧ મિનિટ સાથે, ત્રીજા ક્રમે પરમાર અસ્મીતા ૪૩.૫૪ સાથે ગિરનાર સર કર્યો હતો.
સિનિયર ભાઈઓમાં જૂનાગઢના પરમાર લાલાભાઈએ ૧ કલાક અને ૧૪ સેકંડના સમય સાથે ગિરનાર સર કર્યો હતો. જ્યારે જુનિયર ભાઈઓમાં ગીરસોમનાથના ભાલીયા સંજયભાઈએ ૧ કલાક ૫ મિનિટ અને ૧૪ સેકંડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયા હતા. સિનિયર ભાઈઓમાં બીજા ક્રમે વાઘેલા શૈલેષભાઈ ૧ કલાક અને ૫૭ સેકંડ સાથે, ત્રીજા ક્રમે મેવાડા ધર્મેશકુમારે ૧ કલાક ૧ મિનિટ અને ૨૭ સેકંડ સાથે ગિરનાર સર કર્યો હતો. જ્યારે જુનિયર ભાઈઓમાં બીજા ક્રમે સોલંકી દેવરાજકુમાર ૧ કલાક ૯ મિનિટ અને ૨ સેકંડ સાથે, ત્રીજા ક્રમે ગોહીલ દિગવીજય સિંહે ૧ કલાક ૯ મિનિટ અને ૪૪ સેકંડ સાથે ગિરનાર સર કર્યો હતો.
વિજેતાઓને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવી
વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલા ઈનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, પૂર્વ મેયર આધ્યાશક્તિબેન મજમુદાર, ડેપ્યુટી કલેક્ટર એન. એફ.ચૌધરી, ડેપ્યુટી કમીશનર ઝાંપડા સહિતના પદાધિકારીઓ –અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા એ જણાવ્યું હતું કે, આજે ગિરનારને સર કરવા ૧૧૩૭ સ્પર્ધકોએ દોટ મૂકી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો સખત મહેનત અને આવડતથી નંબર મેળવે છે. આ કઠિન સ્પર્ધામાં યુવાનો જે સમય અને શક્તિ લગાવે છે તેની રાજ્ય સરકારે નોંધ લીધી છે અને ચાલુ વર્ષથી વિજેતાઓને આપવામાં આવતી ઈનામની રાશીમાં ધરખમ વધારો કર્યો છે.
સ્પર્ધા દરમિયાન તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યું હતું.
આ પણ વાંચો: ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની ઈનામી રકમમાં જંગી વધારો