અમદાવાદઆંતરરાષ્ટ્રીયઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતલાઈફસ્ટાઈલ

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ ભારત ઉપરાંત ૫૫ દેશના પતંગબાજ સામેલ

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં દેશના વિકાસનો પતંગ આકાશમાં ઊંચી ઉડાન ભરી રહ્યો છે
  • આજે પતંગનો વ્યાપાર અનેક શ્રમજીવીઓનો આધાર બન્યો
  • ગુજરાતનો પતંગ વ્યાપાર ઉત્તરોત્તર વધી રહ્યો છે, ૪૦ ટકાના હિસ્સા સાથે ગુજરાત દેશનું સૌથી મોટું પતંગ ઉત્પાદક બજાર બન્યું
  • આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૫૫ દેશના ૧૫૩, ૧૨ રાજ્યના ૬૮, ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે

ગાંધીનગર, 7 જાન્યુઆરી, 2024: સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આજે 7 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો દબદબાભર્યો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- ૨૦૨૪ના શુભારંભ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સમયથી આગળનું વિચારવાની વિચારધારા અને વિઝનરી લીડરશીપના પરિણામે દેશમાં ઉદ્યોગો, ધંધા-વ્યાપારના વિકાસ દ્વારા દેશનું અર્થતંત્ર નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં દેશના વિકાસનો પતંગ આકાશમાં ઊંચી ઉડાન ભરી રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

પતંગોત્સવ - HDNews
પતંગોત્સવ, ફોટો @InfoGujarat

મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતના સર્વાંગી વિકાસના પતંગને વિશ્વના આકાશમાં ઉડાન આપવાની દીર્ઘદૃષ્ટિ સાથે દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ની ૧૦મી આવૃત્તિનો આવતા અઠવાડિયેથી પ્રારંભ થઈ રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સ્વાગત પ્રવચન કરતા પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ કહ્યું કે, ઉતરાયણ એ સૂર્યદેવની આરાધના કરવાનો દિવસ છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દર વર્ષે દેશ વિદેશમાંથી પતંગબાજો સામેલ થાય છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ પતંગોત્સવ રાજ્યના અન્ય પ્રવાસન સ્થળો અને શહેરોમાં પણ શરૂ કરાયો છે.

આ અવસરે ઋષિ કુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદનાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ વિશ્વના વિવિધ દેશો અને ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજોની પરેડનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉપરાંત યુવક સેવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ‘Gujarat Means Growth’ અને ‘ગુજરાતના વિકાસનો પતંગ’ નૃત્યની રંગારંગ પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં કુટિર ઉદ્યોગ અને સહકાર રાજયમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, દેશ – વિદેશથી આમંત્રિત મહેમાનો, પતંગબાજો, રાજદ્વારી પ્રતિનિધિઓ, સ્થાનિક ધારાસભ્યો, અમ્યુકોના પદાધિકારીઓ, કાઉન્સિલર્સ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪ આગામી ૭થી ૧૪ જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાઈ રહ્યો છે. જેમાં ૫૫ દેશોના ૧૫૩ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ૧૨ રાજ્યોના ૬૮ રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજોએ ભાગ લીધો છે. આ પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૮ જાન્યુઆરીએ વડોદરા, ૯ જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, ૧૦ જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, ૧૧ જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, ૧૨ જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તારીખ ૭થી ૧૩ જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે ૭થી રાત્રે ૯ કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાજ્યમાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રવાસન વિભાગના આ પ્રકારના આયોજનથી સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન થયું છે, પરિણામે અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે. પ્રવાસન સાથે જોડાયેલાં લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઈ રહી છે જેના લીધે લોકોના જીવનધોરણના સ્તરમાં પણ વધારો થયો છે.

પતંગોત્સવ - HDNews

પતંગોત્સવ, ફોટો @InfoGujarat

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૫૫ દેશોના ૧૫૩ પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૫૫ દેશોના ૧૫૩ પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. સહભાગી દેશોની વાત કરીએ તો આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહેરિન, બેલારૂસ, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, હંગેરી, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, ઈટલી, જાપાન, જોર્ડન, રિપબ્લિક ઓફ કોરિયા, લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરેશિયસ, મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ્સ, ઓમાન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, સ્લોવાકિયા, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, થાઈલેન્ડ, ટ્યુનિશિયા, તુર્કી, યુક્રેન, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટ્સ, વિયેતનામ જેવા દેશોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૨ રાજ્યોના ૬૮ પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે

બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિળનાડુ, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ વગેરે રાજ્યોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગુજરાતનાં ૨૩ શહેરોના ૮૬૫ પતંગબાજો સહભાગી થયા

અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, કચ્છ, બોટાદ, ગાંધીનગર, જસદણ, જૂનાગઢ, ખેડા, લુવારા, મોટા ભાડિયા, નવસારી, ઓડ, પાટણ, રાજકોટ, રાણપુર, સાબરકાંઠા, સાવરકુંડલા, સુરત, થાનગઢ અને વડોદરાના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે વારાણસીમાં વિદ્યાર્થીઓએ વિશાળ દીવો બનાવ્યો

Back to top button