પશ્ચિમ બંગાળમાં TMC નેતા સત્યેન ચૌધરીની હત્યા, હુમલાખોરો ગોળી મારી ફરાર
કોલકાતા (પશ્ચિમ બંગાળ), 07 જાન્યુઆરી 2024: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં તૃણમૂલ કાર્યકરની ગોળી મારીને હત્યા કરાઈ હતી. તૃર્ણમૂલ કોંગ્રેસના કાર્યકર સત્યેન ચૌધરી પર ગોળીબાર કરીને મૃત્યુને ઘાટ ઉતાર્યા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં TMCના નેતાને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સ્થાનિક TMC નેતાઓના જણાવ્યા અનુસાર, ભાકુડી ચાલટિયા વિસ્તારમાં સત્યેન ચૌધરી બેઠા હતા ત્યારે બાઈક પર સવાર ત્રણ બદમાશો આવ્યા અને ચૌધરી પર ખૂબ નજીકથી ફાયરિંગ કર્યું હતું.
અંધીર રંજન ચૌધરીના નજીકના ગણાતા હતા
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. સૂત્રોનું કહેવું છે કે અગાઉ ચૌધરી કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના પણ નજીક હતા. બાદમાં તેઓ ટીએમસીમાં જોડાયા હતા. જો કે, તાજેતરમાં સત્તાધારી પક્ષથી તેઓ દૂર રહેવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ, સત્યેન પોતાના સમર્થકો સાથે બહેરામપુરના ભાકુરી ચોક પર બેઠા હતા. ત્યારે કેટલાક બાઇક સવાર લોકોએ તેમને ઘેરી લીધા હતા. ત્યારબાદ હુમલાખોરોએ તેમના પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. અફરા-તફરીનો માહોલ સર્જાયો અને લોકો આમ-તેમ દોડવા લાગ્યા ત્યાં સુધીમાં તો બદમાશો રફ્ફૂચક્કર થઈ ગયા હતા.લોહીથી લથપથ સત્યેનને તાત્કાલિક મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.
સત્યેન રાજકારણથી દૂર થઈ રહ્યા હતા
સત્યેન ચૌધરીની ગણતરી કોંગ્રેસમાં અસરકારક નેતા તરીકે થતી હતી. ટીએમસીમાં જોડાયા પછી તેમને જિલ્લા મહાસચિવનું પદ આપવામાં આવ્યું હતું. જો કે, કેટલાક સમયથી તેઓ રાજકારણ કરતાં તેમના વ્યવસાયમાં વધુ સક્રિય હતા. તેઓ ધીરે-ધીરે રાજકારણથી દૂર થઈ રહ્યા હતા. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ બહુ સક્રિય નહોતા. કેટલાક લોકોનું કહેવું છે કે સત્યેનની હત્યા પાછળ કોંગ્રેસ સમર્થિત બદમાશોનો હાથ છે. બીજી તરફ, કોંગ્રેસના સ્થાનિક નેતાઓનું કહેવું છે કે સત્યેનની હત્યા તેના જ લોકોએ કરી છે. આ ઉપરાંત પોલીસ સત્ય જાણવા માટે તપાસમાં લાગી છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં EDએ રાશન વિતરણ કૌભાંડમાં TMC નેતા શંકર આધ્યાની કરી ધરપકડ