વાયબ્રન્ટ સમિટ માટે પ્રથમ વખત મહાત્મા મંદિર ખાતે એનામોર્ફિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ થશે
ગાંધીનગર, 6 જાન્યુઆરી 2024, ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ જણાવ્યું હતું કે, આગામી 10-12 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ વખતે પહેલી વાર મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં એનામોર્ફિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે.લોકો અને વાહનોની અવરજવર સરળ બનાવવા માટે આ વખતે એક નવો ગેટ ઉમેરવામાં આવ્યો છે. કુલ 8 ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસાધનોની સરળ અવરજવર માટે RFID વેરિફિકેશન પોઈન્ટ, હેલ્પ ડેસ્ક, સાઇનબોર્ડ્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.પહેલી વાર, પ્રતિષ્ઠિત સીઈઓ અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ માટે બે સ્ટુડિયોની સુવિધા સ્થાપિત કરવામાં આવી છે.
50 સેમિનારો માટે કુલ 12 સેમિનાર હોલની વ્યવસ્થા ઊભી કરાઈ
આ વખતે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના લાઉન્જની સાથે 34 કન્ટ્રી લાઉન્જ પણ ઊભા કરવામાં આવ્યા છે. B2G અને B2B મીટિંગો માટે લાઉન્જ અને મીટિંગ રૂમ સહિત વિશાળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના 40થી વધુ વિભાગો આ મીટિંગમાં ભાગ લેવાના છે.આ 3 દિવસીય સમિટ દરમિયાન કુલ 50 સેમિનારો માટે કુલ 12 સેમિનાર હોલની વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં કામચલાઉ સેમિનાર હોલની ક્ષમતા જરૂરિયાત અનુસાર 100, 150 અને 250 માણસોની છે. એમ્ફિથિયેટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે નેચરલ ડાઇ લેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે.કાર્યક્રમના સ્થળ પર વિવિધ જગ્યાઓએ ઇલ્યુમિનેશન આર્ટવર્ક એટલે કે રોશનીયુક્ત કલાકૃતિઓ મૂકવામાં આવી છે.
હેલ્પ ડેસ્ક, બુક સ્ટોલ્સ વગેરે ઊભા કરવામાં આવ્યા
સમિટમાં ઉપસ્થિત મહેમાનોને શ્રેષ્ઠ સુવિધા પ્રદાન કરી શકાય તે માટે ભોજન માટેની વિશાળ જગ્યા અને અલગ-અલગ ડાઇનિંગ વિસ્તારો વિકસિત કરવામાં આવ્યા છે. હેલ્પ ડેસ્ક, બુક સ્ટોલ્સ વગેરે ઊભા કરવામાં આવ્યા છે. સમિટ માટેનું સ્થળ એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, જેથી 18,000થી વધુ પ્રતિનિધિઓનો સમાવેશ થઇ શકે. આ ઉપરાંત, સમિટના દિવસો દરમિયાન ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરી શકાય તે માટે પણ સ્થળ પર તૈયારીઓ કરાઈ છે, જેમાં ગુજરાતની સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રદર્શિત કરતા 23 વેલકમ આર્ચીઝ, સેલ્ફી પોઇન્ટ તરીકે કચ્છના મિરર મડ પેનલ્સ લગાવવામાં આવ્યા છે.પટોળા પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, કચ્છી એમ્બ્રોઇડરી વગેરે પ્રદર્શિત કરતા પ્રિન્ટિંગ કેન્વાસને વોલ પેનલ્સ તરીકે લગાવવામાં આવ્યા છે.
કચ્છ અને ગામઠી ક્રિએટિવ બ્લોક પ્રિન્ટ પેનલ્સ લગાવાઈ
ગોલ્ડ ટનલ ખાતે કચ્છનું રોગન આર્ટ દર્શાવવામાં આવ્યું છે. કચ્છ અને ગામઠી ક્રિએટિવ બ્લોક પ્રિન્ટ પેનલ્સ પણ લગાવાઈ છે. મહેમાનો ગુજરાતની હસ્તકલાની વસ્તુઓ ખરીદી શકે તે માટે ગુજરાત ક્રાફ્ટ અને હેન્ડલૂમ ડિસ્પ્લે સ્ટોલ્સ પણ કાર્યક્રમ સ્થળ પર ઊભા કરવામાં આવ્યા છે. મહેમાનોની સુવિધા માટે કાર્યક્રમના સ્થળે યોગ્ય સેનિટેશન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ કોલિંગ સુવિધા સાથે બે લેન્ડલાઇન નંબર (079 – 23240000/40001) અને એક મોબાઇલ નંબર (9227807700) ઇમરજન્સી નંબર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને મુલાકાતીઓ તેમજ સંબંધિત તમામ લોકોમાં તેનો વ્યાપકપણે પ્રસાર પણ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટ દરમિયાન સુરક્ષા માટે પોલીસનો ‘લોખંડી’ બંદોબસ્ત