ખારાપાટ રણમાં માનવતા મહેંકીઃ ધોળાવીરાથી 10 કિમી દૂર ભંજડા દાદાના દર્શને ગયેલાં વૃદ્ધા બેભાન થતાં મહિલા કોન્સ્ટેબલ 5 કિલોમીટર ખભા પર ઊંચકીને લાવ્યાં
વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા ખડીર દ્વીપમાં આવેલા ધોળાવીરાથી 10 કિ.મી દૂર ભંજડા દાદાના મંદિરે તાજેતરમાં મોરારી બાપુની રામકથા યોજાઈ હતી. આ કથા મંડપથી દૂર દુર્ગમ સ્થળે આવેલા એક મંદિરે માજી દર્શન કરવા આવ્યાં હતા. ત્યારે ડુંગરના પગથિયાં ચડતી વખતે તેઓને ચક્કર આવતા પડી ગયા હતા. ત્યારે ત્યાં હાજર એક મહિલા કોન્સ્ટેબલે માજીને ખભા પર ઊંચકીને કથાસ્થાને લઈ ગયા હતા. વિરાટ રણમાં આકરા તાપ વચ્ચે મહિલા પોલીસ કર્મીએ માનસ કથાને સાર્થક કરી બતાવી હતી.
રણમાં પાણી ન મળતા બેભાન થયા
મળતી માહિતી પ્રમાણે, ખડીરના નવા ભંજડા દાદાના મંદિરથી 5 કિ.મી દૂર સફેદ રણમાં એક મોટો ડુંગર આવેલો છે. તે પર ભંજડા દાદાનું મંદિર આવેલું છે. અહીં મોરારી બાપુની રામકથા સાંભળવા આવતા ભક્તો અવાર-નવાર આ ડુંગર પર ચાલીને દર્શન કરવા જતા હતા. ત્યારે એક 86 વર્ષના વૃદ્ધ માજી પણ ડુંગર ઉપર બેઠેલા જૂના ભંજડા દાદાના દર્શન કરવાની ઈચ્છા થતાં ચાલી નીકળ્યા હતાં. ડુંગરના પગથિયાં ચડતી વખતે માજીને અચાનક ચક્કર આવ્યાં અને તેઓ ઢળી પડ્યાં. આસપાસ રણ વિસ્તાર હોવાથી પીવાનું પાણી ન મળવાના કારણે તેઓ બેહોશ થઈ ગયા હતા.
કોન્સ્ટેબલે પ્રાથમિક સારવાર આપી
મોરારી બાપુની રામકથા દરમિયાન બંદોબસ્તમાં હાજર રાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન પરમારને આ ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને માજીને પ્રાથમિક સારવાર આપી હતી. તેઓ 5 કિલોમીટર દૂરથી માજી માટે પાણી લઈને પહોંચ્યા હતા અને તેમને ભાનમાં લાવ્યાં હતા. બાદમાં આશક્ત માજીને 5 કિલોમીટર પોતાના ખભે બેસાડીને લાવ્યાં હતા.
પોલીસવડાએ મહિલા કોન્સ્ટેબલને બિરદાવ્યાં
આ કાર્યથી 86 વર્ષના વૃદ્ધ માજીનો જીવ બચાવીને વર્ષાબેને માનવતા અને ગુજરાત પોલીસનું ધ્યેયવાક્ય ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ને હકીકતમાં સાર્થક કરી બતાવ્યું છે. પોલીસ આમ લોકો માટે અને અશકત લોકો માટે અને ગમે તેવી પરિસ્થિતિમાં ખડે પગે રહી લોકોની સુરક્ષા અને સલામતી માટે તૈયાર રહે છે. આ અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ પૂર્વ કચ્છ પોલીસની મહિલા કર્મચારીની કામગીરીને બિરદાવી હતી. રાપર પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન. રાણાએ પણ તેમની સરાહના કરી હતી.