બનાસકાંઠા : નડાબેટ રણ વિસ્તાર શિયાળામાં યાયાવર પક્ષીઓનું નવું આશ્રયસ્થાન
પાલનપુર 06 જાન્યુઆરી 2024: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર શિયાળાની શરૂઆત થતાં જ સાઈબેરિયાથી પક્ષીઓ સ્થળાંતર કરીને આવતા હોય છે. ત્યારે ભારત પાકિસ્તાનની સરહદ પર નડાબેટ નજીક આવેલું નડાબેટનું અફાટ રણ શિયાળામાં 144 દેશ કરતા વધારે દેશોના પ્રવાસી પક્ષીઓનું આશ્રય સ્થાન બની જાય છે ત્યારે સાઈબેરિયાથી પક્ષીઓ બનાસકાંઠા જિલ્લાના મહેમાન બન્યા છે. અને તેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો પણ આવતા હોય છે.
બનાસકાંઠા જિલ્લો એટલે રણ, દરિયો અને આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતો અનોખો જીલ્લો. જેમાં બાલારામ અને અંબાજી જેવા જંગલી વિસ્તાર લુપ્ત થતા પક્ષીઓના વસવાટ માટે ખૂબ અગત્યનું સ્થાન માનવામાં આવે છે. આ પક્ષીઓનું મૂળ નિવાસ સ્થાન સાઈબેરિયા છે પરંતુ શિયાળામાં સાઈબેરિયામાં ઠંડીનું પ્રમાણ વધી જતું હોવાના લીધે આ પક્ષીઓ બનાસકાંઠા જિલ્લાના મહેમાન બને છે. રશિયાનો સાઈબેરીયન પ્રદેશ શિયાળામાં એકદમ નિર્જન બની જાય છે. ત્યારે આ વિસ્તારમાં વસતા પક્ષીઓ આ ઠંડીમાં ઠંડીથી બચવા અને ખોરાકની શોધમાં સ્થળાંતર કરે છે.
નડાબેટના રણમાં ચોમાસામાં ભરાયેલા પાણીમાં માછલીઓ પણ પ્રચુર માત્રામાં હોવાથી યાયાવર પક્ષીઓને ખોરાક પણ આસાનીથી મળી રહે છે.. અને અહી જ આ પક્ષીઓ પ્રજનન પણ કરે છે. ત્યારબાદ માર્ચ મહિનાની શરૂઆત થતાં જ આ રણમાં તાપમાનનો પારો ઊંચો જવાથી પક્ષીઓ ફરીથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને સાઈબેરિયા પહોંચી જતાં હોય છે.
ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી સુધી આ પક્ષીઓ ગુજરાતના નડાબેટમાં આવેલા રણને જ પોતાનું નિવાસ બનાવે છે. અને આ વિદેશી પક્ષીઓના આકર્ષણને નિહાળવા માટે દૂર દૂરથી પક્ષીપ્રેમીઓ પણ આવતા હોય છે. ગુજરાત સરકાર પણ આ વિદેશી પક્ષીઓના આકર્ષણને લઈ આ વિસ્તારનો વિકાસ પ્રવાસન વિભાગ તરીકે કરી રહી છે. ત્યારે આપણે સૌએ ઘર આંગણાના પક્ષીઓ, લુપ્ત થતા દુર્લભ પ્રજાતિના પક્ષીઓને બચાવવા અને આવનારી પેઢીઓને આ પક્ષીઓ જોવા મળી રહે એવા પ્રયાસો ચોક્કસ કરવા જોઈએ.
આ પણ વાંચો : જય ભોલે ગ્રુપ દ્વારા કેનેડામાં ડિઝાઇનિંગ કરેલ વિશેષ ઘડિયાળ પ્રભુ શ્રી રામને કરાશે અર્પણ