ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

મુસ્લિમ યુવતીઓ કાશીથી અખંડ રામ જ્યોતિ સાથે અયોધ્યા જવા રવાના થઈ

વારાણસી (ઉત્તર પ્રદેશ), 06 જાન્યુઆરી 2024: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. જેને લઈ મહાદેવની નગરી કાશીમાંથી મુસ્લિમ મહિલાઓનું એક જૂથ રામના નામની અખંડ જ્યોત લઈને અયોધ્યા માટે રવાના થઈ ચૂક્યું છે. મહિલાઓએ ભગવા વસ્ત્રો પહેરીને આ યાત્રા શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મુસ્લિમ મહિલાઓ અયોધ્યા પહોંચીને રામ જ્યોતિ પ્રગટાવશે અને પછી તેની સાથે કાશી પરત ફરશે. 22 જાન્યુઆરીએ મુસ્લિમોના ઘરોમાં પણ આ જ્યોતથી દીવા પ્રગટાવવામાં આવશે.

શ્રી રામ અમારા પૂર્વજ છે – મુસ્લિમ યુવતી

નાઝનીન અન્સારી અને નઝમાં પરવીને પ્રતિજ્ઞા લીધી હતી કે તે અયોધ્યાથી રામ જ્યોતિ લઈને તમામ ઘરોને રોશન કરશે. નાઝનીન અન્સારી મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનની અધ્યક્ષ છે. તેમનું કહેવું છે કે, વડાપ્રધાન મોદીના આહ્વાન બાદ તેમણે આ કરવાનો સંકલ્પ લીધો હતો. આ જ્યોતિના માધ્યમથી તે કાશીના મુસ્લિમોને પણ 22 જાન્યુઆરીએ તહેવાર ઉજવવા માટે અપીલ કરશે. નાઝનીન અન્સારીનું માનવું છે કે, તમામ ભારતીયો શ્રી રામના વંશજ છે અને કોઈપણ ભારતીયોનો ડીએનએ અલગ નથી. તે મુસ્લિમ વિસ્તારોમાં દીવા પ્રગટાવવા માટે અપીલ કરશે. આ પહેલા પણ તે રામ નવમી અને દિવાળીના અવસરની ઉજવણી કરતી હતી. નાઝનીન અને નઝમાની આ યાત્રાને કાશીના ડોમરાજ ઓમ ચૌધરી અને પાતાલપુરી મઠના મહંત બાલક દાસ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. અયોધ્યામાં મહંત શંભુ દેવાચાર્ય આ મહિલાઓને જ્યોત સોંપશે.

મળતી માહિતી મુજબ, આ યાત્રા શનિવારે શરૂ થઈ છે અને રવિવારે મહિલાઓ કાશી પરત ફરશે. તેઓ અયોધ્યાની પવિત્ર માટી અને સરયૂના જળ સાથે કાશી લઈને પહોંચશે. રામ જ્યોતિનું વિતરણ 21 જાન્યુઆરીથી શરૂ થશે. નોંધનીય છે કે, નાઝનીનએ BHUમાંથી અભ્યાસ કર્યો છે અને તેણે શ્રી રામચરિત માનસ અને હનુમાન ચાલીસાનો ઉર્દૂમાં અનુવાદ પણ કર્યો છે. મહંત બાલકદાસ તેમના ગુરુ છે. તે રામ પથ નામની સંસ્થા સાથે જોડાયેલી છે. નાઝનીન કહે છે કે શ્રી રામ તેના પૂર્વજ છે. ધર્મ બદલીને પણ પૂર્વજો બદલી શકાતા નથી.

મુસ્લિમ મહિલાઓએ રામલલા માટે કપડાં બનાવ્યા

બરેલીની ઓળખ ઝરી જરદોહીથી થાય છે. બરેલીની મુસ્લિમ મહિલાઓએ રામલલા માટે કપડાં તૈયાર કર્યા છે. મેરા હક ફાઉન્ડેશનના પ્રમુખ ફરહત નકવીના નેતૃત્વમાં મુસ્લિમ મહિલાઓએ પણ રામ મંદિરના નિર્માણ માટે દાન એકત્રિત કર્યું હતું. મહિલાઓનું કહેવું છે કે તેઓ દાનના પૈસા અને કપડાં લઈને અયોધ્યા જશે અને ભાઈચારાનો સંદેશ આપશે.

ભગવાન રામના દર્શન કરવા મુંબઈથી પગપાળા યાત્રાએ નીકળી

મુંબઈથી એક મુસ્લિમ યુવતી રામ લલાના દર્શન કરવા પગપાળા યાત્રા શરૂ કરી છે. શબનમનું કહેવું છે કે, તે 1425 કિલોમીટરની પગપાળા યાત્રા ખેડીને અયોધ્યા પહોંચશે. તે એક દિવસમાં 25 થી 30 કિલોમીટર સુધી ચાલે છે. 21 ડિસેમ્બરથી આ યાત્રા શરૂ થઈ ચૂકી છે. શબનમે કહ્યું કે રામ ભક્તિ માટે હિંદુ બનવું જરૂરી નથી.

આ પણ વાંચો: જય ભોલે ગ્રુપ દ્વારા કેનેડામાં ડિઝાઇનિંગ કરેલ વિશેષ ઘડિયાળ પ્રભુ શ્રી રામને કરાશે અર્પણ

Back to top button