ઉત્તર ગુજરાતગુજરાતશ્રી રામ મંદિર

જય ભોલે ગ્રુપ દ્વારા કેનેડામાં ડિઝાઇનિંગ કરેલ વિશેષ ઘડિયાળ પ્રભુ શ્રી રામને કરાશે અર્પણ

  • આગામી 10 મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિર સહિતના ચાર સ્થળોએ આ ઘડિયાળ સ્થાપિત થશે
  • સમય, શ્રદ્ધા અને આસ્થાના અનુબંધ સાથે ધાર્મિક ચેતનાના સેતુબંધનો સનાતન સાક્ષાત્કાર

પાલનપુર 06 જાન્યુઆરી 2024: ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી 22 મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામના નવનિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. દેશભરમાં ઉજવણીનો માહોલ છે અને કરોડો લોકો અનેકવિધ પ્રકારે પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે પ્રભુશ્રી રામની ભક્તિમાં લીન બન્યા છે. ત્યારે કેનેડાના નિવાસી વિવેક પટેલ દ્વારા તૈયાર કરવામાં વિશેષ ઘડિયાળ પ્રભુશ્રી રામને અર્પણ કરવામાં આવશે.

જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી અંતર્ગત અયોધ્યા ખાતે શ્રી રામના મંદિર સહિત ચાર સ્થળોએ વિશેષ પ્રકારની ઘડિયાળ અર્પણ કરવામાં આવી રહી છે. આ તમામ ઘડિયાળોનું ડિઝાઇનિંગનું કામ કેનેડા કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 10 મી જાન્યુઆરી એ જય ભોલે ગ્રુપના દીપેશભાઈ પટેલ સહિતના સભ્યો અયોધ્યા ખાતે શ્રી રામના નવનિર્મિત મંદિર, હનુમાન ગઢી, શૃંગી આશ્રમ અને શ્રી રામ જન્મ ભૂમિ ટ્રસ્ટના મહંત નૃત્ય ગોપાલદાસજી મહરાજને આ વિશેષ ઘડિયાળો અર્પણ કરશે. આ સાથે ભગવાન શ્રી રામના આરાધ્ય સદાશિવ મહાદેવના જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને કાશી નગરીના ક્ષેત્રપાલ કાળભૈરવ મંદિરમાં પણ આવી જ વિશેષ ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે.

ઘડિયાળનો કાંટો એક રીતે આપણી શ્વાસોની ગતિ, ધબકારાને પણ નિર્દેશ કરે છે. સમય બધું જ છે, સમયએ જીવનચક્ર છે, તો ભગવાન માતાજીના મંદિરોમાં પણ ભગવાનનો સમય ચાલવો જોઈએ એવી ભાવના સાથે જયભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા દેશભરના નામાંકિત મંદિરોમાં અત્યાર સુધી 1780 ઘડિયાળો સ્થાપિત કરવામાં આવી છે. આ ઘડિયાળોમાં જે તે મંદિરનું પૌરાણિક આધ્યાત્મિક મહત્વ અને અને લોકોની શ્રદ્ધાને જોડી તેને અનોખી આગવી અને વિશેષ બનાવવામાં આવી છે. આ તમામ ઘડિયાળોની ડિઝાઇન અને કોન્સેપ્ટ જય ભોલે ગ્રુપ જુનિયરના કેનેડા નિવાસી સભ્ય વિવેક પટેલે તૈયાર કરી છે. તેમના જણાવ્યા મુજબ સમગ્ર દેશ અને દુનિયાભરમાં વસતા હિંદુઓ માટે 22 મી જાન્યુઆરીનો દિવસ ખાસ છે, ત્યારે અમે આ ઘડિયાળ મંદિરમાં અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છીએ.

સમયને આપણે કાળચક્ર તરીકે પણ ઓળખીએ છીએ. સમય અનંત અને અનાદિ છે. ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે એ કોઈ જાણી શક્યું નથી. પરંતુ આપણે સમયને માપવા માટે ઘડિયાળની શોધ કરી અને ઘડિયાળથી આપણે સમયને આપણી સમજણ મુજબ નિશ્ચિત કર્યો. આ ઘડિયાળ ફક્ત સમય નહિ પરંતુ સમયની સાથે શ્રદ્ધાનું સમન્વય કરી આસ્થાનું એવું અનુબંધ રચે છે કે જેથી દરેક શ્રદ્ધાળુઓની ધાર્મિક ચેતના જાગૃત થાય અને સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા અખંડિત સ્વરૂપે અનંત કાળ સુધી સચવાઈ રહે.

જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા ધાર્મિક ચેતના અને સનાતન સંસ્કૃતિના જતન માટે અનેકવિધ પ્રયાસ કરવામાં આવે છે. કરોડો હિન્દુઓની લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ પામ્યું છે ત્યારે જય ભોલે ગ્રુપ અમદાવાદએ આ મહોત્સવમાં સહભાગી બનતાં અયોધ્યામાં ચાર ઘડિયાળો અર્પણ કરી ધન્યતા અને ગૌરવ સાથે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને ધાર્મિક ચેતનાને ઘડિયાળ- સમયના માધ્યમથી સેતુસ્વરૂપે જોડવાનું કામ કર્યું છે.

ઘડિયાળોની વિશેષતા

ઇતિહાસ, આસ્થા અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ દર્શાવતી વિશેષ ઘડિયાળો

  • અયોધ્યા શ્રીરામ મંદિરમાં અર્પણ થનારી ઘડિયાળમાં પ્રભુ શ્રીરામના દ્વાદશ નામો અંકિત છે. જે ભગવાન શિવજીએ માતા પાર્વતી સમક્ષ વર્ણવ્યા હોવાનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે. ઉપરાંત પ્રભુ શ્રી રામે જે બાણથી રાવણનો વધ કર્યો એ અજયબાણ અંકિત કરેલું છે. તેમજ નવનિર્મિત રામ મંદિર અને 22 મી જાન્યુઆરી 2024 તારીખ દર્શાવવામાં આવી છે.
  • શ્રી રામના મંદિર નિર્માણમાં જેમનું અનન્ય અને મહત્વનું યોગદાન છે એવા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસજીને તેમની ભક્તિ અને રામ સ્મરણના પ્રતીક સ્વરૂપે ભગવાન રામના 720 નામોનું વર્ણન કરેલ ઘડિયાળ અર્પણ કરવામાં આવશે. જે 12 કલાકમાં 720 મિનિટ રામ સ્મરણની તેમની આસ્થા ભક્તિને સમર્પિત છે.

  • ભગવાન રામની વાતમાં ભક્ત શિરોમણી શ્રી હનુમાનની યાદ અવશ્ય આવે, આથી જય ભોલે ગ્રુપ દ્વારા હનુમાન ગઢી ખાતેના મંદિરમાં ” અંજનેય દ્વાદશ નામ સ્ત્રોત”નું વર્ણન કરેલ ઘડિયાળ અપર્ણ કરવામાં આવશે.
  • જ્યારે શૃંગી આશ્રમમાં સ્થાપિત થનારી ઘડિયાળમાં સપ્તઋષિઓ સહિત 12 ઋષિ-મુનિઓના નામ દર્શાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રામમંદિરની ભવિષ્યવાણી કરનાર દેવરહા બાબા કોણ હતા ?

Back to top button