જમીન માટે દીકરા અને પૌત્રોએ હદ વટાવી, વૃદ્ધ પિતા પર હૂમલો કરી મારી નાંખવાની ધમકી આપી
મહેસાણા, 6 જાન્યુઆરી 2024, જિલ્લાના કડીમાં જમીન બાબતે થયેલી બબાલમાં દીકરાઓ જ દુશ્મન બન્યાં છે. ગુજરાતના પૂર્વ કૃષિમંત્રી પર તેમના જ દીકરા અને પૌત્રોએ અન્ય ઈસમો સાથે મળીને હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પૂર્વ મંત્રીએ તેમના પુત્ર અને પૌત્રો સહિત 6 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પિતાને ધક્કો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વર્ષો પહેલા ગુજરાત સરકારમાં કૃષિ મંત્રી રહેલા કરસનજી ઠાકોર કડી તાલુકામાં આવેલા ચંદ્રાસણ ગામમાં અત્યારે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેમની ચંદ્રાસણ ગામમાં આવેલી જમીનની વહેંચણી કરી નથી અને જમીનનો કબજા ભોગવટો પણ તેમનો જ છે. ગુરુવારે કરસનજી ઠાકોર પોતાના ઘરે હાજર હતા. ત્યારે તેમને જાણ થઈ કે કુલદીપ ઠાકોર ટ્રેક્ટર લઈને તેમની જમીન ખેડી રહ્યો છે. આથી કરસનજી ઠાકોર પૌત્ર વિજય સાથે બાઈક લઈને ખેતરે પહોંચ્યા હતા. અહીં તેમનો જ દીકરો અને અન્ય કેટલાક શખ્સો ધોકા-લાકડી લઈને ઊભા હતા અને પોતાના જ પિતાને ધક્કો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ધક્કો મારીને ફરાર થઈ ગયા
પૂર્વ કૃષિમંત્રીએ ગાળો બોલવાની ના પાડતા કુલદીપનો પક્ષ લઈને તેમના પુત્ર ગણપત, દશરથ તથા પૌત્રો હાથમાં ધોકા અને લાકડી લઈને ત્યાં પહોંચ્યા હતા અને જમીનમાં ભાગ પાડીને વહેંચણી કરી આપવા માંગ કરી હતી. આમ નહીં કરવા પર ટ્રેક્ટરથી કચડીને મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કરસનજી ઠાકોર વર્ષ 1980થી 1990 સુધી કડીના ધારાસભ્ય હતા અને 1985થી 90 સુધી કૃષિ મંત્રી રહ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કસ્ટોડિયલ ડેથ કેસમાં એસિડ પીવાથી થયું આરોપીનું મોત