ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં હિંસા ભડકી, ઉપદ્રવીઓએ ટ્રેનમાં આગ ચાંપતા 5નાં મૃત્યુ

ઢાકા (બાંગ્લાદેશ), 06 જાન્યુઆરી 2024: બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી પહેલાં હિંસા ફાટી નીકળી છે. રાજધાની ઢાકામાં તોફાનીઓએ એક ટ્રેનમાં આગ સળગાવતાં પાંચ લોકોનાં મૃત્યુ અને ઘણા લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના રાજધાની ઢાકાના ગોપીબાગ વિસ્તારમાં બેનાપોલ એક્સપ્રેસમાં બની હતી. બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીના બે દિવસ પહેલા જ આ ઘટના બની હતી. મહત્ત્વનું છે કે, વિપક્ષ ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યો છે. જેના કારણે સમગ્ર દેશમાં અશાંતિનું વાતાવરણ છે. રાજકીય હિંસાના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

ડેલી સ્ટારના અહેવાલ મુજબ ગોપીબાગ વિસ્તારમાં રાત્રે લગભગ 9 વાગ્યે આગ લાગી હતી. રાત્રે 10.20 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. bdnews24.com અનુસાર, ટ્રેનમાં સવાર ઘણા મુસાફરો ભારતીય નાગરિકો પણ હતા. આગ ઢાકા જતી ટ્રેનના ઓછામાં ઓછા ચાર કોચમાં ફેલાઈ ગઈ હતી. પોલીસે જાનહાનિ અને નુકસાનની જાણકારી મેળવવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસને આશંકા છે કે કોચની અંદર હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન ઢાકાને બાંગ્લાદેશના સૌથી મહત્વપૂર્ણ લેન્ડ પોર્ટ બેનાપોલથી જોડે છે.

બાંગ્લાદેશના વિદેશમંત્રીએ દુર્ઘટનાની નિંદા કરી

બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉ.એ.કે અબ્દુલ મોમેને કહ્યું છે કે, આ નિંદનીય ઘટના ચોક્કસ ઈરાદાપૂર્વક રચવામાં આવી છે. જે આપણા લોકશાહીના મૂલ્યને નુકસાન પહોંચાડે છે. આ દુર્ઘટના 7 જાન્યુઆરી, 2024ના રોજ યોજાનારી ચૂંટણીના એક દિવસ પહેલા, દેશની લોકશાહી પ્રક્રિયાઓની ઉત્સવ, સલામતી અને સુરક્ષાને અવરોધવાનો સંપૂર્ણ ઇરાદો દર્શાવે છે.

બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલાં કેમ હિંસા ભડકી?

BNP અને તેના સાથી પક્ષો સામાન્ય ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ તમામ પક્ષો છેલ્લા ઘણા મહિનાઓથી ચૂંટણી પહેલા તટસ્થ વચગાળાની સરકારની માંગ કરી રહ્યા છે. BNPનું કહેવું છે કે શેખ હસીનાની સરકાર હેઠળ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજાશે નહીં. પરંતુ શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતૃત્વવાળી સરકારે વિપક્ષની આ માંગને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. બાંગ્લાદેશમાં રવિવારે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને તેના સાથીઓએ વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની અને “મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ” માટે વર્તમાન સરકારની રચનાની માંગ સાથે ચૂંટણી પ્રક્રિયાનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની હાકલ કરી છે. બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા હિંસાનું આ મુખ્ય કારણ છે.

આ પણ વાંચો: ભારતના સૂર્ય મિશન માટે મોટો દિવસ, આદિત્ય-L1 આજે અંતિમ ભ્રમણકક્ષામાં પ્રવેશવા તૈયાર

Back to top button