પશ્ચિમ બંગાળમાં EDએ રાશન વિતરણ કૌભાંડમાં TMC નેતા શંકર આધ્યાની કરી ધરપકડ
- EDની ટીમ દ્વારા બોનગાંવ નગરપાલિકા પ્રમુખ શંકર આધ્યાના ઘરે પાડ્યા હતા દરોડા
- TMCના બીજા નેતા શાહજહાં શેખના ઘરે કાર્યવાહી દરમિયાન ED પર થયો હતો હુમલો
પશ્ચિમ બંગાળ, 6 જાન્યુઆરી : પશ્ચિમ બંગાળના પ્રખ્યાત રાશન વિતરણ કૌભાંડ કેસમાં પૂર્વ TMC બોનગાંવ નગરપાલિકા પ્રમુખ શંકર આધ્યાની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDની ટીમે શુક્રવારે શંકર આધ્યાના ઘરે દરોડા પાડ્યા હતા. TMC નેતા શંકર આધ્યા પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલિકના નજીકના માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ED અધિકારીઓએ ઉત્તર 24 પરગણા જિલ્લામાં તૃણમૂલના બે નેતાઓના ઘરે દરોડા પાડ્યા હતા. ઘટનામાં EDની ટીમ પર TMCના અન્ય નેતા શાહજહાં શેખના ઘરે કાર્યવાહી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.
#WATCH | North 24 Parganas, West Bengal: Enforcement Directorate (ED) arrested former Bongaon Municipality Chairman Shankar Adhya, in connection with a ration scam case. pic.twitter.com/heorEuBBjb
— ANI (@ANI) January 6, 2024
કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ બોનાગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાના ઘરે પહોંચી હતી. બીજી ટીમ સંદેશખાલીમાં શાહજહાં શેખના ઘરે પહોંચી હતી. સૂત્રોનું માનીએ તો શંકર અને શાહજહાં બંને પશ્ચિમ બંગાળના પૂર્વ ખાદ્ય મંત્રી અને TMCના નેતા જ્યોતિપ્રિયા મલિક (બાલુ)ના નજીકના છે. EDએ શુક્રવારે સવારે લગભગ 7:30 વાગ્યે બાણગાંવના શિમુતલામાં શંકર આધ્યાના ઘરે સર્ચ શરૂ કર્યું અને 17 કલાક પછી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ રાત્રે 12.30 વાગે શંકર આદ્યાની ધરપકડ કરવામાં આવી હતી.
શંકરની પત્ની બાણગાંવ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂકેલા
શંકર આધ્યાએ જ્યોતિપ્રિયા મલિકની મદદથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 2005માં બાણગાંવ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર બન્યા અને બાદમાં ચેરમેન પદે પહોંચ્યા. શંકર આધ્યાની પત્ની બાણગાંવ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જો કે, શંકર આધ્યાની પત્ની જ્યોત્સના આદ્યાએ કહ્યું કે, તપાસમાં સહકાર આપવા છતાં તેના પતિની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમણે ઊંડું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો. શંકર આધ્યાની ધરપકડ કરતાં સમયે કેન્દ્રીય દળો અને EDની ટીમને સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
TMC નેતાના સમર્થકોએ EDની ટીમ પર કર્યો હતો હુમલો
શુક્રવારે સવારે 7 વાગ્યાની આસપાસ જ્યારે EDની ટીમ બીજા TMC નેતા શાહજહાં શેખના સરબેરિયા, સંદેશખાલી ખાતેના ઘરે પહોંચી, ત્યારે ઘર બંધ જોવા મળ્યું. સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓએ શેખને ફોન કર્યો અને ઘરની બહાર કોઈ આવે તેની લાંબા સમય સુધી રાહ જોઈ. પરંતુ કોઈ ન પહોંચતાં EDની ટીમે શાહજહાં શેખના ઘરનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં તૃણમૂલ કાર્યકર્તાઓ હાજર હતા. તેઓએ હંગામો મચાવ્યો અને ED તેમજ કેન્દ્રીય દળોના સભ્યો પર હુમલો કર્યો. પથ્થરમારામાં ED અને કેન્દ્રીય દળોના કેટલાક સભ્યો ઘાયલ થયા હતા. ટીએમસીના કાર્યકરો દ્વારા તેમના વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી.
આ પણ જુઓ :હાઇજેક જહાજ ઉપર પહોંચ્યા NAVYના માર્કોસ કમાન્ડો, 15 ભારતીય ક્રૂ ને બચાવ્યા