ટોપ ન્યૂઝનેશનલવર્લ્ડ

હાઇજેક જહાજ ઉપર પહોંચ્યા NAVYના માર્કોસ કમાન્ડો, 15 ભારતીય ક્રૂ ને બચાવ્યા

નવી દિલ્હી, 5 જાન્યુઆરી : ભારતીય નૌકાદળ દ્વારા અરબી સમુદ્રમાં અપહરણ કરાયેલ કાર્ગો જહાજ MV લીલા નોરફોકને ચાંચિયાઓથી મુક્ત કરવામાં આવ્યું છે. શુક્રવારે ભારતીય નૌકાદળના કમાન્ડો માર્કોસના અપહરણ કરાયેલા જહાજ સુધી પહોંચે તે પહેલા ચાંચિયાઓ ભાગી ગયા હતા. લાઇબેરિયાના ધ્વજવાળા જહાજના 21 સભ્યોના ક્રૂ, જેમાં 15 ભારતીય નાગરિકો સામેલ છે તેઓ હવે સુરક્ષિત છે. જહાજને સોમાલિયાના દરિયાકાંઠેથી ખેંચવામાં આવી રહ્યું છે.

નેવીના માર્કોસ કમાન્ડોને જોઈને લૂંટારુઓ ભાગી ગયા

ભારતીય નૌકાદળને માલવાહક જહાજના અપહરણની માહિતી મળતાં જ તેણે તેના યુદ્ધ જહાજ INS ચેન્નાઈ, મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ P8L અને રિકોનિસન્સ પ્રિડેટર MQ9B ડ્રોન તૈનાત કર્યા હતા. INS ચેન્નાઈએ શુક્રવારે બપોરે લગભગ 3:15 વાગ્યે અરબી સમુદ્રમાં સોમાલિયાના કિનારે હાઇજેક કરેલા જહાજને ઘેરી લીધું હતું. આ દરમિયાન સૈનિકોએ ચાંચિયાઓને જહાજ છોડી દેવાની ચેતવણી આપી હતી. જે બાદ ભારતીય નૌકાદળના માર્કોસ કમાન્ડો અપહરણ કરાયેલા જહાજ પર ઉતર્યા હતા અને તેની તલાશી લીધી હતી અને ત્યાં કોઈ ચાંચિયા હાજર મળ્યા ન હતા.

જહાજમાં સવાર તમામ ભારતીયો સુરક્ષિત છે

યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) એજન્સીએ કહ્યું છે કે જહાજમાં સવાર તમામ ભારતીયો સુરક્ષિત છે. આઈએનએસ ચેન્નાઈની દેખરેખ હેઠળ તેને સોમાલિયાના દરિયાકાંઠેથી બહાર કાઢવામાં આવી રહ્યું છે. ગુરુવારે, નૌકાદળને UKMTO તરફથી જ માહિતી મળી હતી કે પાંચ-છ લૂંટારુઓ જહાજમાં સવાર હતા અને તેને સોમાલિયાથી લઈ જઈ રહ્યા હતા. માલવાહક જહાજ બ્રાઝિલના પોર્ટ દો ઇકોથી બહેરીનના ખલીફા બિન સલમાન પોર્ટ તરફ જઈ રહ્યું હતું. પરંતુ લગભગ દસ દિવસ પહેલા, ચાંચિયાઓએ એડનની ખાડીમાં એમવી રુએનને હાઇજેક કરી લીધું હતું.

ચાંચિયાઓની પ્રવૃત્તિ ફરી વધી

ગુરુવારે, વિદેશ મંત્રાલયે લાલ સમુદ્રમાં હુથી બળવાખોરો દ્વારા માલવાહક જહાજો પરના હુમલા પર ચિંતા વ્યક્ત કરી હતી. ચાંચિયાગીરીનું ફરી સક્રિય થવું સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ઉલ્લેખનીય છે કે 2017માં આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં ઘણા દેશોની નૌકાદળ દ્વારા કરવામાં આવેલા વિશેષ ઓપરેશનમાં આ લૂંટારુઓનો લગભગ ખાત્મો થઈ ગયો હતો.

નેવીની દરિયામાં ચાંપતી નજર

ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે ભારતીય યુદ્ધ જહાજોને અરબી સમુદ્રમાં ચાંચિયાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રદેશમાં વેપારી જહાજો પર હુમલાને રોકવા માટે ભારતીય નૌકાદળના ચાર યુદ્ધ જહાજોને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યા છે. નૌકાદળના અધિકારીએ કહ્યું કે ભારતીય નૌકાદળનું મુખ્યાલય સમુદ્રમાં તેની કામગીરી પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

Back to top button