અમદાવાદ, 5 જાન્યુઆરી 2024, શહેરમાં પતિ અને પત્ની વચ્ચેના વિવાદો ઘણી વખત મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે અને અંતે સંસાર તૂટતો હોય છે. પરંતુ શહેરમાં એક એવો બનાવ સામે આવ્યો છે જેમાં 70 વર્ષના પતિએ તેની પત્નીની જાસૂસી કરવા માટે કારમાં GPS લગાડી દીધું હતું. પતિ તેની પત્નીની ગાડીને સતત ટ્રેસ કરીને પીછો કરતો હતો. આ બાબતની ફરિયાદ સાયબર ક્રાઈમમાં થતાં પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
બંને વચ્ચે છુટાછેડા લેવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં 70 વર્ષનો પતિ અને પત્ની લગ્નજીવન બાદ અણબનાવ થતાં પાંચ વર્ષથી અલગ અલગ રહે છે. બંને વચ્ચે છુટાછેડા અંગે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. શહેરમાં જુહાપુરા ખાતે રહેતા શબ્બીર ગાંધી અને તેમની પત્ની વચ્ચે લગ્નજીવનમાં વિવાદ થયો હતો. ત્યાર બાદ બંને અલગ અલગ રહેતા હતાં. તેમજ બંને વચ્ચે છુટાછેડા લેવા માટે કોર્ટમાં ઘણા સમયથી કેસ ચાલી રહ્યો છે.
સાયબર ક્રાઈમે પતિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
શબ્બીર ગાંધીએ તેમની પત્નીની દરેક ગતિવિધિ જાણવા માટે તેમના માણસોને સાથે રાખીને પત્નીની ગાડીમાં GPS લગાવી દીધું હતું. તેઓ આ GPSની મદદથી સતત પત્નીની કારનું ટ્રેસિંગ કરતાં હતાં. પત્નીને પોતાની જાસૂસી થતી હોવાનું ધ્યાને આવતાં તેમણે સાયબર ક્રાઈમમાં અજાણ્યા માણસો સામે ફરિયાદ કરી હતી. આ ફરિયાદને આધારે સાયબર ક્રાઈમે તપાસ કરતાં આરોપી મહિલાનો પતિ નીકળ્યો હતો. સાયબર ક્રાઈમે પતિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમેરિકાથી રમકડાં અને પુસ્તકોમાં હાઈબ્રિડ ગાંજો મંગાવનાર પશ્ચિમ બંગાળથી ઝડપાયો