ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દાઉદ ઈબ્રાહિમની ચાર મિલકતોની આજે હરાજી, બોલી 19 લાખથી થશે શરૂ

  • નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા મુંબઈમાં આવકવેરા વિભાગની ઓફિસમાં હરાજી કરવામાં આવશે
  • ખેતીની જમીનની સાથે રત્નાગીરીમાં આવેલા દાઉદના બાળપણના ઘરની પણ થશે હરાજી

મહારાષ્ટ્ર, 5 જાન્યુઆરી : અંડરવર્લ્ડ ડોન અને 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમની મહારાષ્ટ્રમાં આવેલી ચાર મિલકતોની આજે હરાજી થવાની છે. આ હરાજી નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ દ્વારા SAFEMA(દાણચોરો અને ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર (સંપત્તિની જપ્તી) અધિનિયમ, 1976) હેઠળ મુંબઈમાં આવકવેરા વિભાગની ઓફિસમાં કરવામાં આવશે. દાઉદ ઈબ્રાહિમના ઘર અને જમીનની આ બોલી 19 લાખથી શરૂ થશે. તેની ખેતીની જમીનની સાથે મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના મુમ્બકે ગામમાં તેમના બાળપણના ઘરની પણ હરાજી કરવામાં આવશે.

 

રૂપિયા 19 લાખથી પ્રોપર્ટીની હરાજી શરૂ કરવામાં આવશે

આ તમામ મિલકતો દાઉદ ઈબ્રાહિમના પરિવારની છે અને માત્ર 19 લાખ રૂપિયામાં હરાજી માટે મૂકવામાં આવી છે. દાઉદ ઈબ્રાહીમની વડીલોપાર્જિત મિલકતોમાં મુમ્બકે ગામમાં દાઉદ ઈબ્રાહિમનું બાળપણનું ઘર સામેલ છે, જ્યાં તેનો જન્મ થયો હતો અને શરૂઆતના વર્ષો વિતાવ્યા હતા.

 

હરાજીમાં કોણ ભાગ લેશે ?

અહેવાલો અનુસાર, વકીલ અને શિવસેના નેતા અજય શ્રીવાસ્તવ દાઉદની પ્રોપર્ટીની હરાજીમાં હાજરી આપી શકે છે. તેઓ દાઉદના પૈતૃક (વડીલોપાર્જિત) ઘર માટે બોલી લગાવશે. અગાઉ તેણે ડોનની ત્રણ મિલકતો માટે બોલી લગાવી હતી, જેમાં મુંબઈમાં તેના બાળપણના ઘરનો સમાવેશ થાય છે. આ પહેલા શ્રીવાસ્તવે 2001માં ડોનની ઘણી દુકાનો માટે પણ બોલી લગાવી હતી જે હજુ પણ કાનૂની ટેન્ડરમાં અટવાયેલી છે. જોકે, શિવસેનાના નેતાને આશા છે કે, તેઓ ટૂંક સમયમાં દાઉદનું પૈતૃક ઘર મેળવી લેશે અને ત્યાં એક શાળા શરૂ કરશે.

પહેલાની હરાજીમાં ડોનના ડરથી કોઈએ બોલી લગાવી નહીં

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સરકાર દ્વારા જપ્ત કરવામાં આવેલી દાઉદની પ્રોપર્ટીની પહેલી હરાજી 2000માં થઈ હતી. જોકે હરાજી ખૂબ મોટા પાયે થઈ હતી, પરંતુ આતંકવાદના ડરથી કોઈ બોલી લગાવવા આવ્યું ન હતું.

આ પણ જુઓ :સોમાલિયા નજીક 15 ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથેનું જહાજ હાઇજેક, નૌકાદળની ચાંપતી નજર

Back to top button