ગુજરાતવાયબ્રન્ટ ગુજરાત સમિટ

વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન 12 જાન્યુઆરીએ યોજાશે MSME કોન્ક્લેવ

ગાંધીનગર 04 જાન્યુઆરી 2024: ગાંધીનગરમાં તારીખ 10 થી 12 જાન્યુઆરી સુધી યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં 12 જાન્યુઆરીના રોજ MSME કોન્ક્લેવ યોજાશે. ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશ્નર સંદિપ સાંગલેએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન ગુજરાતના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ દ્વારા 12મી જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મેઇન કન્વેન્શન હોલમાં MSME કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઇવેન્ટને ત્રણ સત્રમાં વિભાજિત કરવામાં આવશે

કાર્યક્રમની વિગતો વિશે વાત કરતા સંદિપ સાંગલેએ જણાવ્યું કે, આ ઇવેન્ટને ત્રણ સત્રમાં વિભાજિત કરવામાં આવશે. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગુજરાત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ના માનનીય રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભારત અને ગુજરાતમાં MSME ઇકોસિસ્ટમ પર ગુજરાત સરકાર અને વિકસિત ભારત @2047ના એજન્ડામાં MSMEની ભૂમિકા અંગે સંબોધન કરશે.મુખ્ય સંબોધન પછી, બે પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

પેનલ ચર્ચાની વિગતો જણાવતા તેમણે કહ્યું હતું કે ‘ડ્રાઇવિંગ ગ્રોથ થ્રુ ટેક એડોપ્શન’ (ટેક્નોલોજીને અપનાવીને વિકાસનું સંચાલન) પરની પેનલ ચર્ચામાં MSMEsને બહેતર બનાવવા માટે ઇનોવેશન અને ડિજિટાઇઝેશનના વિષય પર ચર્ચા કરવામાં આવશે. પેનલ ડિસ્કશનના ફોકસ એરિયામાં એન્ટરપ્રાઇઝિસનું ઔપચારિકીકરણ, ઇક્વિટી ફાઇનાન્સિંગ, ડિજિટલ એનેબલિંગ, ફિનટેક, ક્રેડિટ એક્સેસ, ગ્રીન ટેક્નોલોજી, ગુણવત્તા પ્રમાણપત્ર, ઝીરો ઇફેક્ટ-ઝીરો ડિફેક્ટ, સર્ક્યુલર ઈકોનોમી, સપ્લાય ચેઇન અને સ્કિલિંગ/રિસ્કિલિંગનો સમાવેશ થાય છે.

 

‘એમ્પાવરિંગ વુમન એન્ટરપ્રેન્યોર ફોર ઈન્કલ્યુઝીવ ગ્રોથ’ (સમાવેશી વિકાસ માટે મહિલા ઉદ્યોગસાહસિકોનું સશક્તિકરણ) પર બીજી પેનલ ચર્ચા યોજાશે, જે વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત મહિલાઓ માટે એક મંચ તરીકે કાર્ય કરશે, જેથી તેઓ મહિલા ઉદ્યોગસાહસિકતા અંગેના તેમના દ્રષ્ટિકોણને રજૂ કરી શકે. આ ચર્ચામાં મહિલાઓ સામે આવતા અવરોધોને દૂર કરવા, મહિલા ઉદ્યોગસાહસિકો, દીવ્યાંગ વ્યક્તિઓ અને SC/STને સંબંધિત પડકારો અને તકોની સમજણ આપવી અને અંગત અનુભવોનું વર્ણન કે જેમાં વ્યક્તિઓ વિવિધ અવરોધોને પાર કરીને અન્ય લોકો માટે માર્ગદર્શક તરીકે ઉભરી આવ્યા છે, જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવશે.

સામાજિક-આર્થિક વિકાસમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન અપાશે

તેમણે વધુમાં જાહેરાત કરી હતી કે MSME કોન્ક્લેવ દરમિયાન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત વક્તાઓ, થિંક ટેન્ક, બહુપક્ષીય એજન્સીઓ, સરકારી એજન્સીઓ અને શિક્ષણવિદો સહયોગ અને નવીનતા દ્વારા ગુજરાત આ તકોને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે તેના પર તેમના મંતવ્યો રજૂ કરશે. તેમણે જણાવ્યું કે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) છેલ્લા પાંચ દાયકામાં ભારતીય અર્થતંત્રના ગતિશીલ ક્ષેત્રોમાંના એક તરીકે ઉભરી આવ્યા છે. તે દેશના સામાજિક-આર્થિક વિકાસમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપીને અને કૃષિ ક્ષેત્ર બાદ તુલનાત્મક રીતે ઓછા મૂડી ખર્ચે રોજગારીની મોટી તકો ઊભી કરીને નોંધપાત્ર યોગદાન આપે છે. ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં MSMEsનું યોગદાન અભિન્ન રહેશે. દેશના GDPમાં 30%ના યોગદાન સાથે, MSME ક્ષેત્રમાં અર્થતંત્રમાં વૃદ્ધિની અપાર સંભાવનાઓ રહેલી છે. પોતાની વાતનું સમાપન કરતા તેમણે જણાવ્યું કે MSMEs અંતર્ગત મહિલાઓ, વિકલાંગ વ્યક્તિઓ, SC/ST, વગેરેમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને, ગુજરાતમાં રહેલી વિશાળ પ્રતિભાઓનો ઉપયોગ કરી સમાવેશી વૃદ્ધિ તરફ કામ કરી શકાય છે. તેમણે તમામ સંબંધિત હિતધારકો, ઉદ્યોગ નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓને આ પ્રભાવશાળી સત્રમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપીને કોન્ફરન્સનું સમાપન કર્યું. વધુ વિગતો અને નોંધણી માટે, કૃપા કરીને મુલાકાત લો https://www.vibrantgujarat.com/

આ પણ વાંચો : વાયબ્રન્ટ સમિટઃ 9થી 13 જાન્યુઆરી સુધી ડાયવર્ઝન માટે જાહેરનામું

Back to top button