ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આઝાદીના 75 વર્ષ પછી કાશ્મીરના બે ગામોમાં વીજળી પહોંચી

  • આઝાદીના 75 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાની સરહદે આવેલા બે ગામોમાં વીજળી પહોંચી છે

જમ્મુ-કાશ્મીર, 04 ડિસેમ્બર: દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ વીતી ગયા છે, પરંતુ હજુ પણ કેટલાક દૂરના વિસ્તારોમાં વીજળી પહોંચી નથી. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પર સ્થિત ગામોમાં હજુ પણ વીજળીની લોકો રાહ જોઈ રહ્યા છે. આ રાહ જોનાર ગામોમાં આખરે 75 વર્ષ બાદ કાશ્મીરના બે ગામોમાં વીજળી પહોંચી છે, જેનાથી ગ્રામજનોના ચહેરા પર સ્મિત આવી ગયું છે. આઝાદી પછી પહેલીવાર જમ્મુ અને કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસેના બે ગામોને વીજળી પૂરી પાડવામાં આવી.

સમૃદ્ધ સીમા યોજના હેઠળ વીજળી પૂરી પાડવામાં આવી

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે, “એક ઐતિહાસિક ક્ષણમાં, કુપવાડા જિલ્લાના કેરન વિસ્તારના કુંદિયન અને પાત્રુ ગામોના રહેવાસીઓએ 75 વર્ષમાં પ્રથમ વખત વીજળીનો આનંદ અનુભવ્યો,” તેમણે કહ્યું કે સમૃદ્ધ સીમા યોજના હેઠળ સ્થાપિત બે 250 KV સબ સ્ટેશનનું ઉદ્ઘાટન કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વીકે ભીદુરી દ્વારા કરવામાં આવ્યું હતું.

લોકોએ લેફ્ટનન્ટ ગવર્નરનો આભાર વ્યક્ત કર્યો

પ્રવક્તાએ કહ્યું, “75 વર્ષ પછી ગામડાઓમાં વીજળીનો પુરવઠો મળતાં સ્થાનિક રહેવાસીઓએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો છે. લેફ્ટનન્ટ ગવર્નરના પ્રયાસોને કારણે જ લાંબા સમયથી અલગ-અલગ રહેતા સમુદાયોમાં ગ્રિડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી છે.” પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ગામવાસીઓના ઘરો રોશનીથી ઝળહળી ઉઠતાં વાતાવરણ આનંદ અને ઉમંગથી ભરાઈ ગયું છે.”

કનેક્શનનું કામ માત્ર 2 મહિનામાં પૂર્ણ થયું

પ્રવક્તાએ કહ્યું છે કે દૂરના ગામડાઓને વીજળી પૂરી પાડવા માટે કાશ્મીર પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ (KPDCL) ઇલેક્ટ્રિક ડિવિઝન, કુપવાડા દ્વારા વિક્રમી બે મહિનામાં વિદ્યુતીકરણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

કેમ અત્યાર સુધી વીજળી ન અપાઈ?

સુરક્ષાના કારણોસર એલઓસી પરના દૂરના વિસ્તારોમાં વીજળી ગ્રીડનું નિર્માણ કરવામાં આવ્યું ન હતું. જો કે હવે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે, ત્યારે આ દિશામાં મોટા પાયે કામ થઈ રહ્યું છે, જેના કારણે તે વિસ્તારોમાં પણ વીજળી આપવામાં આવી રહી છે જ્યાં અત્યાર સુધી લોકો વીજળીની રાહ જોઈ રહ્યા હતા.

આ પણ વાંચો: PM મોદીએ નવા વર્ષમાં લક્ષદ્વીપને રૂ. 1,150 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી

Back to top button