આ ઘાટ પર છેલ્લી વાર ગયા હતા શ્રીરામઃ જાણો ગુપ્તાર ઘાટની ધાર્મિક માન્યતા
- અયોધ્યાના તમામ 51 ઘાટનું વિશેષ મહત્ત્વ છે. તેમાંથી એક છે ગુપ્તાર ઘાટ. ગુપ્તાર ઘાટને ગુપ્ત હરિ ઘાટ નામથી પણ ઓળખવામાં આવે છે.
અયોધ્યા નગરીમાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનીને તૈયાર છે. હવે 22 જાન્યુઆરીએ તેની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ મંદિર ઉપરાંત અયોધ્યાના ખુણા ખુણામાં મંદિર અને ઘાટ છે. જ્યાં શ્રીરામ ભગવાને મનુષ્ય રૂપમાં લીલાઓ કરી હતી. અયોધ્યાના તમામ 51 ઘાટનું વિશેષ મહત્ત્વ છે. તેમાંથી એક છે ગુપ્તાર ઘાટ. ગુપ્તાર ઘાટને ગુપ્ત હરિ ઘાટ નામથી પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે ગુપ્તાર ઘાટની પૌરાણિક માન્યતા શું છે?
સરયુ નદીના તટ પર બનેલો છે ગુપ્તાર ઘાટ
અયોધ્યામાં કુલ 51 ઘાટ છે. તેમાંથી એક છે ગુપ્તાર ઘાટ. જે સરયુ નદીના કિનારે બનેલો છે.
ગુપ્તાર ઘાટની પૌરાણિક માન્યતાઓ
પૌરાણિક માન્યતા અને અયોધ્યાના મંદિરના પુજારીઓના જણાવ્યા અનુસાર ગુપ્તાર ઘાટ જ એ ઘાટ છે, જ્યાં પહોંચીને પ્રભુ શ્રીરામે જળ સમાધિ લીધી હતી. કેટલાય વર્ષો સુધી અયોધ્યા પર રાજ્ય કર્યા બાદ પ્રભુ શ્રીરામે આ ઘાટ પર સમાધિ લીધી હતી. પોતાના શરીરને આ ઘાટના જળમાં ગુપ્ત કરી લેવાના કારણે આ ઘાટ ગુપ્તાર ઘાટના નામે ઓળખાય છે. ગુપ્તાર ઘાટના મહિમાનું વર્ણન સ્કંધ પુરાણમાં પણ મળે છે. જેમાં તેનું નામ ગૌ પ્રતારણ આપવામાં આવ્યું છે.
પુરી થાય છે મનોકામના
સરયુ નદીના આ ઘાટ પર શ્રદ્ધાળુઓ સ્નાન કરવા જાય છે. સાથે મન્નત પણ માંગે છે. એવી માન્યતા છે કે આ ઘાટના દર્શન કરવાથી અને સ્નાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મનોકામના પુર્ણ થાય છે.
અયોધ્યામાં ક્યાં છે ગુપ્તાર ઘાટ
અયોધ્યામાં શ્રીરામ જન્મભુમિથી લગભગ 11 કિલોમીટર દુર ગુપ્તાર ઘાટ છે. હનુમાન ગઢીથી તેનું અંતર 9 કિલોમીટર છે. આ ઘાટથી થોડેક અંતરે નરસિંહ મંદિર, ચક્રહરિ વિષ્ણુ મંદિર છે. ચક્ર હરિ વિષ્ણુ મંદિર અંગે એવી માન્યતા છે કે અહીં ભગવાન શ્રીરામના ચરણોના નિશાન પણ છે.
આ પણ વાંચોઃ ત્રેતાયુગની જેમ સજાવાઈ રહી છે અયોધ્યાઃ જાણો જુની મૂર્તિનું શું કરાશે?