ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગોગામેડી હત્યાકેસઃ NIAએ રાજસ્થાન અને હરિયાણામાં 31 સ્થળોએ દરોડા પાડ્યા

નવી દિલ્હી, 03 જાન્યુઆરી 2024: શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની તપાસ હાથ ધરાઈ છે. આ હત્યાના આરોપીઓને પકડવા માટે NIAએ બુધવારે વહેલી સવારે હરિયાણા અને રાજસ્થાનમાં 31 સ્થળોએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઉલ્લેખનીય છે કે, 5 ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીને રાજસ્થાનના જયપુરમાં તેમના ઘરે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના આદેશ બાદ NIAએ આ હત્યાની તપાસ શરૂ કરી હતી.

હાઈ-પ્રોફાઈલ ગુંડાઓની સંડોવણી

સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા સાથે જોડાયેલા શકમંદોના ઠેકાણાઓ પર NIAના દરોડા ચાલુ છે. એજન્સીની કેટલીક ટીમોએ રાજ્ય પોલીસ દળોના સહયોગથી આ ઓપરેશન હાથ ધર્યું છે. હત્યામાં હાઈ-પ્રોફાઈલ ગેંગસ્ટરોની સંડોવણીને ધ્યાનમાં રાખીને NIAએ રાજસ્થાન પોલીસ પાસેથી કેસ હાથમાં લીધાના ગણતરીના દિવસો બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

આ રીતે હત્યાનો બનાવ બન્યો હતો

5 ડિસેમ્બરે કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગમેડીને તેમના ઘરે બે શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી. ગોગામેડીની હત્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જેમાં બે શૂટર્સે ગોગમેડી પર અંધાધૂંધ ગોળી વરસાવી હતી. તેમજ તેમના સાથીઓ પર પણ ગોળીબાર કર્યો હતો. જો કે, ગોગમેડીને હોસ્પિટલ લઈ જતા ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવના પગલે ઠેર-ઠેર કરણી સેનાના કાર્યકરોએ પ્રદર્શન કરી તપાસની માંગણી કરી હતી.

બે શૂટર્સ કસ્ટડીમાં લેવામાં આવ્યા

9 ડિસેમ્બરે ચંદીગઢમાં ગોગમેડી હત્યામાં સંડોવાયેલા બે શૂટર્સ રોહિત રાઠોડ અને નીતિન ફૌજીની ધરપકડ કરવામાં આવી હતી. ગોગામેડીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ લીધી હતી. મળતી માહિતી મુજબ, ગોદારા અને ગોગામેડી વચ્ચે ઝઘડો થયો હતો અને અધિકારીઓને શંકા છે કે આ હત્યાને અંજામ આપ્યો હશે. આ હત્યા કેસમાં અન્ય એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેણે કથિત રીતે તેના પતિ સાથે મળીને આરોપીઓને હથિયાર અને રહેવાની વ્યવસ્થા કરી હતી.

આ પણ વાંચો: રાષ્ટ્રીય કરણી સેનાના સુખદેવસિંહ હત્યા કેસની તપાસ NIAને સોંપાઈ

Back to top button