ગાંધીનગર, 01 જાન્યુઆરી 2023, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં નગરો-મહાનગરોના વિકાસ કામો હાથ ધરવા સૌને સાથે મળીને આગળ વધવા આહવાન કર્યું છે. રાજ્ય સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવું સુદ્રઢ છે કે, વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી. મુખ્યમંત્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા-ક્વોલિટી સાથે કોઇ સમાધાન કે બાંધછોડ ન કરવાની પણ સ્પષ્ટ તાકીદ કરી હતી. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં મહાનગરો, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટેના ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.
2084 કરોડ રૂપિયાની રકમ એક જ દિવસમાં અર્પણ કરાઈ
આ સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકાને 735 કરોડ, સુરતને 569 કરોડ, વડોદરાને 172 કરોડ, રાજકોટને 135 કરોડ તથા જામનગરને 109 કરોડ તેમજ ગાંધીનગરને 37 કરોડ, ભાવનગરને 94 કરોડ તથા જૂનાગઢ મહાનગરપાલિકાને 31 કરોડ મળી 8 મહાનગરોને કુલ 1882 કરોડ વિવિધ વિકાસ કામો માટે આપવામાં આવ્યા હતા. ‘અ’ વર્ગની નગરપાલિકાઓને 44 કરોડ, ‘બ’ વર્ગને 36 કરોડ તથા ‘ક’ વર્ગને પણ 36 કરોડ તેમજ ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને 17 કરોડ મળી સમગ્રતયા 2084 કરોડ રૂપિયાની રકમ એક જ દિવસમાં એક સાથે અર્પણ કરવામાં આવી હતી.
કામની ક્વોલિટીમા કોઈ બાંધછોડ કરવાની નથી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નગર પાલિકાના હોદ્દેદારોને માર્મિક ટકોર કરી હતી કે, જે કામ કરો તે આયોજન બદ્ધ કરો. તેમણે ઉમેર્યું કે, પહેલા રોડ બનાવવામાં આવે પછી ગટરના નામે રોડ તોડવામાં આવે તે યોગ્ય નથી. આયોજન વિનાની કામગીરી કરીશું તો આખી સરકારને સાંભળવું પડશે. કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવી નહી. વધુમાં કહ્યું કે, કામની ક્વોલિટીમા કોઈ બાંધછોડ કરવાની નથી. મેયર થઈ જાય એટલે એમના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે. તેમણે કહ્યું કે, ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા કબજો જમાવે તેવું પણ ન ચાલે.
સારૂ આયોજન કરો તો અહીંથી બધા જ પૈસા મળે તેમ છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે જણાવ્યું હતું કે, સારૂ આયોજન કરો તો અહીંથી બધા જ પૈસા મળે તેમ છે, પરંતુ આયોજન બદ્ધ રીતે કામ કરીને આગળ વધો. બાકી તો પહેલા દિવસે રોડ બનાવી દે અને બીજા દિવસે ગટરનું કામ હાથમાં લે. તેમણે કહ્યું કે, એક જણ નહી સાંભળતું, આખી સરકાર સાંભળે છે એક જણની ભૂલના કારણે બધાને સાંભળવું પડે છે. આપણે બધા જૂદા નથી આપણે બધા જ એક જ છીએ એટલે એક થઈને જ કામ કરવાનું છે.
આ પણ વાંચોઃ વિકસિત ભારત સંકલ્પયાત્રાઃ મુખ્યમંત્રીએ યાત્રાના કર્મયોગીઓ સાથે સંવાદ કર્યો