રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલના ભાવમાં મોટી વધઘટ જોવા મળી છે. સીંગતેલમાં ડબ્બે 30 રૂપિયાનો તો કપાસિયા તેલમાં ડબ્બે 35 રૂપિયા જેવો વધારો થયો છે, જોકે આ વધારો છેલ્લા એક મહિનામાં બંને તેલના ભાવમાં આવેલા ઘટાડા બાદનો હોવાનું વેપારીઓનું કહેવું છે. રાજકોટ ખાદ્યતેલના બજારમાં પામોલીન તેલમાં છેલ્લા 2 મહિનામાં 300 રૂપિયાથી વધુનો ડબ્બે ઘટાડો થયો છે. પામોલીન તેલ એક મહિના પહેલા 2300 રૂપિયા આસપાસ વેંચાતું હતું જે ઘટીને 1925 થી 1930 એ પહોંચ્યું છે.
મોઘવારીનો માર
તો સીંગતેલના ભાવમાં પણ વધઘટ નોંધાઈ છે તેમાં હાલ ડબ્બો 2750એ વેચાઈ રહ્યો છે. તથા સીંગતેલમાં ઊંચા ભાવેથી ગત મહિને 100 રૂપિયા સુધીનો ઘટાડો થયો હતો. જેમાં ધીમી ગતિએ વધીને ડબ્બો 2750 એ પહોંચ્યો છે. તથા કપાસિયા તેલમાં પણ આજ પ્રકારે વધઘટ જોવા મળી છે કપાસિયા તેલનો ડબ્બો 2500 એ ટ્રેડ થયો છે. પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને વધુ એક માર પડ્યો છે. સીંગતેલમાં ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. આ પહેલા એવી વાત સામે આવી હતી કે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કરવામાં આવશે. જો કે ઘટાડો તો ના થયો પણ વધારો થતા લોકોને વધુ એક મોઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે