રામલલાના દર્શન માટે કેટલી સીડી ચઢવી પડશે? નહીં હોય માતા સીતાની મૂર્તિ
- રામ મંદિરમાં ભક્તો પૂર્વ દિશામાંથી પ્રવેશ કરશે અને ભગવાનના દર્શન કર્યા બાદ દક્ષિણ દિશામાંથી બહાર નીકળશે. આ ઉપરાંત મંદિરની અંદર 44 અલગ-અલગ દરવાજા પણ બનાવવામાં આવશે.
અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ચુક્યું છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવાની છે. ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરને લઈને ઉત્સુકતા વધી રહી છે. રામભક્તો મંદિર વિશે તમામ જાણકારી મેળવવા ઈચ્છે છે. મંદિર અંગે શ્રીરામ જન્મભુમિ ટ્ર્સ્ટ દ્વારા તમામ જાણકારી પુરી પાડવામાં પણ આવી રહી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે મંદિરમાં ભગવાન રામલલાના દર્શન માટે 32 સીડીઓ ચડવી પડશે. 32 સીડીઓ ચઢ્યા બાદ ભક્તો મુખ્ય ધામ સુધી પહોંચી શકાશે. દિવ્યાંગજનો માટે મંદિરના પશ્વિમ ભાગમાં લિફ્ટની વ્યવસ્થા હશે.
પૂર્વ દિશાથી એન્ટ્રી અને દક્ષિણ દિશાથી એક્ઝિટ
રામ મંદિરમાં ભક્તો પૂર્વ દિશામાંથી પ્રવેશ કરશે અને ભગવાનના દર્શન કર્યા બાદ દક્ષિણ દિશામાંથી બહાર નીકળશે. આ ઉપરાંત મંદિરની અંદર 44 અલગ-અલગ દરવાજા પણ બનાવવામાં આવશે. રામલલા સંકુલમાં 70 એકર જમીનમાં તેમના ગુરુઓનું મંદિર પણ હશે. આ સાથે શબરી અને અહલ્યાબાઈ માતાના મંદિરો પણ બનાવવામાં આવશે. પરંતુ આ પ્રક્રિયા મુખ્ય મંદિરના નિર્માણ બાદ શરૂ થશે.
ગર્ભગૃહમાં કેમ નહિ હોય માતા સીતાની મૂર્તિ
અયોધ્યાના જે રામ મંદિરમાં રામલલા વિરાજમાન થશે, ત્યાં માતા સીતાની કોઈ મૂર્તિ નહીં હોય, ત્યાં માત્ર રામ લલાની મૂર્તિ જ હશે, કેમકે રામલલાની મૂર્તિ પાંચ વર્ષના બાળકના રૂપમાં વિરાજમાન થશે. આ ભગવાનનું એવુ સ્વરૂપ છે જ્યારે ભગવાનના લગ્ન થયા ન હતા. આજ કારણ છે કે અહીં માતા સીતાની મૂર્તિ નહીં હોય, ત્યાં શ્રીરામ બાળક સ્વરુપે બિરાજમાન થશે. ભગવાન રામના જ્યારે માતા સીતા સાથે વિવાહ થયા, ત્યારે તેમની ઉંમર 27 વર્ષ હતી, તેનું વર્ણન તુલસીદાસજી દ્વારા લિખિત રામચરિતમાનસમાં એક દોહામાં કરવામાં આવ્યું છે.
રામ મંદિર સાથે જોડાયેલી મહત્ત્વની વાતો
- આખું મંદિર 70 એકર જમીનમાં અને ત્રણ માળનું હશે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે.
- મંદિર પરિસરમાં મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદ રાજ, માતા શબરી અને દેવી અહલ્યાના મંદિરો પણ હશે.
- મંદિર પરિસરની 70 એકર જમીનમાંથી લગભગ 70% વિસ્તાર હરિયાળો હશે, જેમાં સો વર્ષ કરતા વધુ જૂના વૃક્ષો પણ હશે.
- રામ મંદિર ત્રણ માળમાં બનશે, જેમાં મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ માળનું બાંધકામ ચાલુ છે અને તેનું કામ પણ આવતા વર્ષે પૂર્ણ થઈ જશે.
આ પણ વાંચોઃ WhatsAppએ ભારતમાં 71 લાખથી વધુ WhatsApp એકાઉન્ટ બંધ કર્યા