ભારત-પાકિસ્તાન વચ્ચે 2024માં “ટક્કર નક્કી”, જાણી લો વિગતો
- 2024માં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં યોજાશે ભારત VS પાકિસ્તાન વચ્ચે મેચ, 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મોટી મેચ જોવા મળી હતી
દિલ્હી, 02 જાન્યુઆરી: સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી રહી છે. 2023ને વિદાય આપતાં લોકોએ 2024નું જોરદાર સ્વાગત કર્યું છે. ક્રિકેટની દુનિયામાં પણ ભારત સહિત અન્ય તમામ ટીમો પોતાના નવા મિશનમાં વ્યસ્ત છે. ક્રિકેટ પ્રેમીઓ હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોતા હોય છે. ચાહકોને ગયા વર્ષે એટલે કે 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 મોટી મેચ જોવા મળી હતી. ત્રણેય મેચમાં ભારતનું પલડુ ભારે જોવા મળ્યું હતું.
ભારત અને પાકિસ્તાન માત્ર ICC ટુર્નામેન્ટમાં જ ટકરાય છે
નવા વર્ષની સાથે ક્રિકેટ પ્રેમીઓને મનમાં એ સવાલ ચોક્કસથી થતો હશે કે નવા વર્ષમાં એટલે કે 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલી મેચ જોવા મળી શકશે? જો કે 2012થી ભારત અને પાકિસ્તાન ફક્ત ICC ટૂર્નામેન્ટ અથવા એશિયા કપમાં જ સામસામે આવે છે.
બંને દેશો વચ્ચે રાજકીય તણાવને કારણે દ્વિપક્ષીય શ્રેણી રમાવાનું બંધ છે. છેલ્લી શ્રેણી 2012માં રમાઈ હતી. આવી સ્થિતિમાં એ સમજવું પણ જરૂરી છે કે 2024માં માત્ર એક જ ICC ટૂર્નામેન્ટ છે.
જૂનમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ શકે છે
ICC T20 વર્લ્ડ કપ જૂનમાં રમાવાનો છે, જેની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરશે. આવી સ્થિતિમાં આ એકમાત્ર ટૂર્નામેન્ટ છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્પર્ધા જોવા મળી શકે છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બંને ટીમો ટૂર્નામેન્ટમાં એક જ ગ્રુપમાં હશે કે નહીં.
અમેરિકામાં યોજાશે ભારત VS પાકિસ્તાન
પરંતુ આ દરમિયાન ન્યૂઝ વેબસાઈટ ગાર્ડિયને તેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની મોટી મેચ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં યોજાઈ શકે છે. આ મેચ 8 અથવા 9 જૂને રમાઈ શકે છે. આવી સ્થિતિમાં તે લગભગ નિશ્ચિત છે કે ચાહકો 2024 માં આ એક મેચ જોશે. આ પછી જો બંને ટીમ સેમિફાઇનલ અથવા ફાઇનલમાં પહોંચે છે તો ત્યાં પણ બીજી ટક્કર થઈ શકે છે.
છેલ્લી ત્રણ મેચમાં પાકિસ્તાનની ખરાબ રીતે ધોલાઈ થઈ હતી
ગયા વર્ષે એશિયા કપ અંતર્ગત સપ્ટેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મેચ રમાઈ હતી. જેમાંથી એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. પરંતુ બીજી મેચમાં ભારતીય ટીમે 228 રનના જંગી અંતરથી જીત મેળવી હતી. લગભગ 33 દિવસ બાદ અમદાવાદમાં વર્લ્ડ કપ અંતર્ગત ત્રીજી મેચ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો 7 વિકેટે વિજય થયો હતો. આ રીતે આ છેલ્લી 3 મેચોમાંથી ભારતે 2 જીતી અને એક મેચ રદ થઈ. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાનની હાલત ખરાબ જોવા મળી હતી.
આ પણ વાંચો: IND vs AFG: રોહિત અફઘાનિસ્તાન સિરીઝમાંથી T20 ક્રિકેટમાં પરત ફરશે!