પતિ અને જેઠને ગોળી મારીને મહિલા પોલીસ મથક પહોંચી
- મહિલાએ પોતાના જ પતિ અને જેઠની ગોળી મારી હત્યા કરી
- હત્યા બાદ મહિલા હાથમાં પિસ્તોલ લઈ પોલીસ સ્ટેશન પહોંચી, હાથમાં પિસ્તોલ જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી
- મિલકતના વિવાદમાં મહિલાએ આ પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
ઉજ્જૈન, 02 જાન્યુઆરી: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક મહિલાએ મિલકતના વિવાદમાં તેના પતિ અને જેઠની ગોળી મારીને હત્યા કરી દીધી અને ત્યાર પછી મહિલા પોતાના હાથમાં જ પિસ્તોલ લઈને પોલીસ સ્ટેશન ગઈ અને ગુનામાં વપરાયેલી પિસ્તોલ સાથે સરેન્ડર કર્યું. આરોપી મહિલાએ એમ કહીને સરેન્ડર કર્યું કે તેણીએ તેના પતિ અને જેઠની હત્યા કરીને આવી છું, બંનેનો મૃતદેહ લેવડાવી દેજો. હાથમાં પિસ્તોલ પકડેલી મહિલાના મોઢામાંથી પોલીસકર્મીઓએ આ શબ્દો સાંભળ્યા કે તરત જ તેઓ ખુરશી પરથી ઊભા થઈ ગયા.
આ ઘટના ઉજ્જૈન જિલ્લા મુખ્યાલયથી લગભગ 25 કિમી દૂર ઈંગોરિયા ગામમાં બની હતી અને મૃતકોની ઓળખ આરોપી સવિતાના પતિ રાધેશ્યામ (41) અને તેના જેઠ દિનેશ (47) તરીકે થઈ છે.
ઇંગોરિયા પોલીસ સ્ટેશનના પ્રભારી ચંદ્રિકા સિંહ યાદવે જણાવ્યું કે, રાધેશ્યામનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે જેઠ દિનેશનું બદનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ પછી આરોપીએ પિસ્તોલ સાથે સરેન્ડર કર્યું.
મહિલાએ પહેલા તેના પતિ અને પછી તેના જેઠને ગોળી મારી. સવિતા (35) આંગણવાડી કાર્યકર છે. પ્રાથમિક તપાસમાં આ મામલો મિલકતના વિવાદનું પરિણામ હોવાનું કહેવાય છે.
5 કરોડની કિંમતની જમીન પર વિવાદ
આ કેસમાં આરોપી મહિલાએ પોલીસને જણાવ્યું કે તેનો જેઠ દિનેશ ફોર લેન હાઈવે પર તેની 5 કરોડ રૂપિયાની જમીન હડપ કરવા માંગતો હતો. જેના કારણે પતિ રાધેશ્યામને નશો કરાવતો હતો. તેના જેઠના પ્રભાવ હેઠળ પતિ તેને રોજ માર મારતો હતો. સોમવારે સવારે તેનો પતિ તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો, જેના કારણે તેણીએ ગુસ્સે થઈને પલંગની નીચેથી પિસ્તોલ કાઢી હતી. પહેલા જેઠને ગોળી મારી અને પછી પતિની હત્યા કરી. રોજની મારપીટ અને હિંસાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો દાવો મહિલાએ કર્યો છે. તેણીએ કહ્યું કે તેણે તેની બે પુત્રી અને એક પુત્રના ભવિષ્ય માટે આ ગુનો કર્યો છે.
પિસ્તોલ ક્યાંથી આવી?
આ ડબલ મર્ડર પર પરિવારજનોએ સવાલો ઉઠાવ્યા છે. મૃતકના પિતા અને આરોપી મહિલાના સસરાનું કહેવું છે કે બે ભાઈ દિનેશ અને રાધેશ્યામ વચ્ચે અગાઉથી જ જમીનની વહેંચણી હતી, તો વિવાદની સ્થિતિ કેમ સર્જાઈ? આખરે ઘરમાં પિસ્તોલ ક્યાંથી આવી? આ તમામ કેસની બારીકાઈથી તપાસ થવી જોઈએ અને આરોપી પુત્રવધૂને કડકમાં કડક સજા થવી જોઈએ.
એફએસએલની ટીમ તપાસમાં વ્યસ્ત
એડિશનલ એસપી નીતીશ ભાર્ગવે જણાવ્યું હતું કે મહિલાએ ઘરેલું વિવાદ અને જમીન વિવાદના ગુસ્સામાં આ કૃત્ય કર્યું હતું. આરોપી મહિલાએ હથિયાર સાથે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું. એફએસએલની ટીમ તપાસમાં વ્યસ્ત છે અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: મણિપુરમાં ફરી હિંસા, 4 સ્થાનિકોના મોત : ઈમ્ફાલ ખીણમાં કર્ફ્યુ