જાપાનમાં 7.5 તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધી 13નાં મૃત્યુ, સેંકડો ઘરો અને દુકાનો બળીને રાખ


ટોક્યો (જાપાન), 02 જાન્યુઆરી 2024: સોમવારે 7.5ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી જાપાનની ધરતી હચમચી ગઈ હતી. આ ઘટનામાં લગભગ 13 લોકોનાં મૃત્યુ થયાં છે અને 155 લોકો ફસાયા હોવાની આશંકા છે. એનએચકે વર્લ્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. જાપાનમાં એક જ દિવસમાં 155 ભૂકંપ અનુભવાયા. યુનાઈટેડ ઝૂઓલોજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 4:10 વાગ્યે ઈશિકાવા પ્રાંતના નોટો પેનિન્સુલા પર આવ્યો હતો.
#WATCH | Tokyo: Widespread devastation in Kanazawa and Ishikawa prefecture in the aftermath of powerful earthquakes that struck Japan yesterday.
(Source: Reuters) pic.twitter.com/zPWexRFlk7
— ANI (@ANI) January 2, 2024
ભૂકંપનો આંચકો 10 કિલોમીટરની ઉંડાઈએ અનુભવાયો હતો. જાપાનમાં ધરતી ધ્રૂજતાની સાથે જ ઈમારતો ધરાશાયી થઈ ગઈ, આગ ફાટી નીકળી અને છેક પૂર્વી રશિયા સુધી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી, જ્યારે જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો.
ભૂકંપ બાદ 100થી વધુ ઘર બળીને રાખ
મધ્ય જાપાનના શહેર વાજિમામાં સોમવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી, આ ઘટનામાં 100થી વધુ દુકાનો અને ઘર બળીને રાખ થઈ ગયા હતા, આ માહિતી NHK વર્લ્ડ દ્વારા આપવામાં આવી હતી. જાપાનમાં ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં મોટાભાગની મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા ખોરવાઈ હતી.
જાપાનના વડા પ્રધાન કાર્યાલયે અધિકારીઓને સ્થાનિક સરકારો સાથે સંકલન કરવા અને માનવ જીવનને પ્રાધાન્ય આપવા કાર્ય કરવાનો આદેશ આપ્યો. સરકારે કહ્યું, “લોકોનાં જીવ બચાવવા અને આપત્તિ પીડિતોને બચાવવા સહિત કોઈ કસર છોડવામાં આવશે નહીં, સરકાર એકજૂથ થઈને તેના નાગરિકો માટે કામ કરી રહી છે.” આ ઉપરાંત, સુનામીના ખતરાને જોતા જાપાનમાં ભારતીય દૂતાવાસે ઇમરજન્સી રૂમ બનાવ્યો છે અને હેલ્પલાઇન નંબર જારી કર્યા છે.
આ પણ વાંચો: જાપાનમાં 90 મિનિટમાં ભૂકંપના 21 આંચકા, હજારો ઘરોમાં વીજળી પુરવઠો ખોરવાયો