દ્વારકા : બોરવેલમાં ખાબકેલી બાળકી એન્જલ જિંદગીની જંગ હારી ગઈ, સારવારમાં મોત થયું
- કલ્યાણપુર તાલુકાના રાણ ગામની ઘટના
- 8 કલાકની જહેમત બાદ બાળકીનું સફળ રેસ્ક્યુ કરાયું હતું
- બાળકીને સારવાર માટે જામનગર ખસેડવામાં આવી હતી
- બાળકી જામનગર પહોંચે તે પહેલાં જ દમ તોડી દીધો
દ્વારકા, 1 જાન્યુઆરી : નવા વર્ષના પહેલાં જ દિવસે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં રહેતા એક પરિવારની અઢી વર્ષની બાળકી એન્જલ ફળિયામાં રમી રહી હતી. આ દરમિયાન અકસ્માતે એન્જલ 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હોવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગને કરાતાં ફાયર ટીમ, 108 એમ્બ્યુલન્સ તથા ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. જે 8 કલાક બાદ સફળ સાબીત થયું હતું અને એન્જલની સલામત બહાર કાઢી લેવામાં આવી હતી અને તેને જામનગર સારવાર માટે ખસેડવામાં આવી હતી પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજુર હોય તેમ આ બાળકી સારવારમાં હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત થયું છે.
આર્મી, NDRF, SDRF અને ફાયર વિભાગની મહેનત એળે ગઈ
મળતી માહિતી મુજબ, રાણ ગામે અઢી વર્ષની બાળકી એન્જલ સવારે 12 વાગ્યા આસપાસ પોતાના ઘરના ફળીયામાં રમતી હતી ત્યારે બોરવેલ ઉપર ચડતાની સાથે જ તે અંદર ખાબકી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ તેના માતાને થતા તેણે પરિવારના અન્ય સભ્યોને જાણ કર્યા બાદ સરપંચને જાણ કરતા તેઓ દોડી ગયા હતા અને ખંભાળિયા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. તેઓ ઘટનાસ્થળે દોડી ગયા બાદ બાળકીને બચાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ધીમે ધીમે કલાકો વિતતા જતા આર્મી, NDRF, SDRF સહિતની ટીમને બોલાવી લેવામાં આવી હતી અને આ તમામની મહેનતના અંતે સફળતા મળી હતી પરંતુ તેમની આ સફળતા અને મહેનત એળે ગઈ હતી. બાળકી જામનગર હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ જામ ખંભાળિયા ખાતે તેણે દમ તોડી દીધો હતો.