કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ગીર સોમનાથમાં 30 લોકો પાસેથી 99 લાખ પડાવનાર ત્રણ નકલી અધિકારી પકડાયા

ગીર સોમનાથ, 1 જાન્યુઆરી 2024, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને સરકારી નોકરી અપાવાની લાલચ આપતી નકલી અધિકારીઓની ટોળકી ગીર સોમનાથ પોલીસની પકડમાં આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતા 30 લોકોને છેતરી એક કરોડની છેતરપીંડી આચરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ ટોળકી પાસેથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ, આઈપીએસ, સચિવોની બોગસ સહીવાળા લેટરો મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ગીરસોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને સરકારી નોકરીઓના વાયદા કરી ખોટા નિમણૂક પત્રો આપી લાખો રૂપિયાની છેતરપીંડી થઈ હોવાનો બનાવ પોલીસના ધ્યાને આવ્યો હતો. જેમાં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નોકરી આપવાનુ કહી 99 લાખની રકમ લઈ લીધી
તલાલાના કાનજીભાઇ તેમની દિકરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા માટે ઘંટીયા પ્રાંચી ગામે આવેલા જ્યોતિબા ફુલે નામની એકેડમીના પ્રમુખ જેઠાભાઇ ઉર્ફે સુભાષ બચુભાઇ ચુડાસમાને મળ્યા હતા. તેમની દિકરીને સરકારી નોકરી અપાવી દેવાનું કહી પોલીસ દોડની પરીક્ષામાં નાપાસ થયેલી યુવતીનો પાસ થયાનો સિક્કાવાળો લેટર બતાવી એક લાખ રૂપિયા તાત્કાલિક મેળવી લીધા હતા. બાદમાં કાનજીભાઈના સગા સબંધીના અન્ય પાંચ લોકો પાસેથી કુલ 7 લાખ લીધા હતા. આ કેસમાં એલસીબીએ સંયુક્ત હકીકત આધારે ઘંટીયા પ્રાંચીથી સુભાષ બચુભાઇ ચુડાસમા,હરસુખલાલ પુનાભાઇ ચૌહાણ, નિલકંઠકુમાર જયંતિલાલ પટેલની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. આ ટોળકીએ જુદા જુદા 25 લોકોને સરકારી નોકરી આપવાનુ કહી 99 લાખની રકમ છેતરપીંડી કરીને લઈ લીધી હતી.

નિમણૂક પત્રો મોબાઇલમાં દેખાડી વિશ્વાસમાં લેતો
આ ટોળકીનો જેઠાભાઈ ઉર્ફે સુભાષભાઈ ચુડાસમા ટ્રેનિંગ એકેડમી ચલાવતો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા સ્પર્ધકોને તેમજ તેમના વાલીઓને સરકારી નોકરીની લાલચ આપતો હતો. પોતાના દ્વારા બીજા લોકોને અપાયેલા સરકારી નોકરીના ખોટા નિમણૂક પત્રો મોબાઇલમાં દેખાડી વિશ્વાસમાં લેતો હતો. જ્યારે બીજો આરોપી હરસુખલાલ પુનાભાઇ ચૌહાણ એજન્ટ તરીકે કામ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને શોધી લાવતો હતો. પરીક્ષા આપ્યા વગર અનુ.જાતિના ખાસ ક્વોટામાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી પૈસા પડાવતો હતો. ત્રીજો આરોપી પિન્ટુ પટેલ સ્વણિર્મ સંકુલ ગાંધીનગર ખાતે કલાર્ક તરીકે નોકરી કરતો હોવાનું જણાવી વિશ્વાસ પ્રસ્થાપિત કરી સરકારી નોકરીના ખોટા નિમણૂક પત્રો બનાવી પૈસા પડાવી લેવાની મોડસ ઓપેરેન્ડી ધરાવે છે.

આ પણ વાંચોઃ દ્વારકામાં અઢી વર્ષની બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ માટે હવે સૈન્ય પહોંચ્યું

Back to top button