નડાબેટ,અંબાજી તેમજ કચ્છમાં નવા વર્ષની શરૂઆત થઈ સૂર્ય નમસ્કારથી
નડાબેટ/અંબાજી/ કચ્છ 1 જાન્યુઆરી 2024 : આ વર્ષે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા.01 ડિસેમ્બર 2023 થી 1 જાન્યુઆરી 2024 સુધી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાં અલગ-અલગ જગ્યાએ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ બન્યા સહભાગી
જેમાં બનાસકાંઠામાં ગુજરાત વિધાસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ઇન્ડો- પાક. બોર્ડર સીમા દર્શન નડાબેટ ખાતે રોગને પડકાર સૂર્ય નમસ્કાર થીમ હેઠળ સામુહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ સહભાગી બન્યા હતા.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે…
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે, પ્રાણાયામ યોગ એ આપણો સાંસ્કૃતિક વારસો અને આપણું સંશોધિત જ્ઞાન છે. આપણી સંસ્કૃતિ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ અને વસુધૈવ કુટુમ્બકમ” વિચારધારાની છે. આપણે જ્ઞાનને છુપાવ્યું નથી, એની પેટન્ટ આપણે કરાવી નથી. જે સારું છે એ આખી દુનિયા માટે છે એ ભાવ સાથે આપણે વિશ્વ સમક્ષ યોગ પ્રાણાયામને મુક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને લીધે આજે સમગ્ર વિશ્વે યોગને અપનાવી આપણને ગૌરવ અપાવ્યું છે. સૂર્યનમસ્કાર જીવનની મૂડી છે,સમંત્ર સૂર્યનમસ્કાર નવી ઉર્જા અને પ્રાણશક્તિ આપે છે એમ જણાવી જીવનમાં સૂર્યનમસ્કાર અને નિરંતર યોગના અભ્યાસને અપનાવવા અનુરોધ કર્યો હતો.
વિજેતા સ્પર્ધકોનું કરવામાં આવ્યું સન્માન
આ પ્રસંગે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુઇગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી, બી.એસ.એફના અધિકારીઓ, સી.વી.રામ, પી.કે યાદવ, નાગેશ જાધવ, ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સિંઘ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, યોગ કોચ, યોગ ટ્રેનરો, ભાઈઓ- બહેનો, યોગ પ્રેમીઓ, સ્વાસ્થ્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
અંબાજીના ચાચર ચોકમાં સામુહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં લોકો ઉત્સાહભેર જોડાયા
ગુજરાતના શક્તિપીઠ અંબાજી ચાચર ચોક ખાતે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની ગરિમામય ઉપસ્થિતિમાં સામુહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્કૃત પાઠશાળા અને શ્રી અંબાજી કોલેજના વિદ્યાર્થીઓ , સુરક્ષા કર્મીઓ સહિત લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ અંતર્ગત યોગ કો.ઓર્ડીનેટરએ પ્રથમ યોગીક પ્રાર્થના, સૂક્ષ્મ ક્રિયાઓ પછી હળવી કસરત અને ત્યારબાદ સૂર્ય નમસ્કાર આસન અને પ્રાણાયામ તેમજ શાંતિ પાઠ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય કેશાજી ચૌહાણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ અપાવી છે. યોગ એ આપણી સંસ્કૃતિ છે અને એનું જતન આપણી ફરજ છે એમ જણાવી તમામ રોગના નિરાકરણ માટે યોગ શ્રેષ્ઠ હોવાથી જીવનમાં યોગ પ્રાણાયામનું મહત્વ સમજાવી લોકોને રોજિંદા જીવનમાં યોગને અપનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે અંબાજી પી આઈ જી આર રબારી,સંગઠનના શહેર પ્રમુખ બકુલેશ શુક્લા, દાંતા તાલુકા સંગઠન પ્રમુખ અમૃતજી ઠાકોર, અગ્રણી હેમરાજભાઇ રાણા, ગ્રીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની ટીમ સહિત લોકો ઉપસ્થિત રહયા હતા.
‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’
કચ્છના ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 535 તથા સફેદ રણ ખાતે 155 યોગ સાધકોએ ‘રોગ તને પડકાર,સૂર્ય તને નમસ્કાર’ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી હતી.
નવા વર્ષે નવી ઊર્જા સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય કેશુભાઇ પટેલ અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાની પ્રેરક ઉપસ્થિતિમાંસૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સફેદરણ ખાતે ભુજ ગ્રામ્ય મામલતદાર ભરત શાહ તથા ધોરડો સરપંચ મિયાં હુસેનની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 51 સ્થળોએ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ સહભાગી બન્યું છે ત્યારે આપણી વિરાસત સમા યોગ અને સૂર્ય નમસ્કારને નાગરિકો માત્ર આજ પૂરતા નહીં પરંતુ કાયમી રીતે અપનાવે જરૂરી છે. ધારાસભ્યએ સૂર્ય નમસ્કારને ૧૨ યોગ આસનનો સમન્વય ગણાવીને તેનાથી તન અને મન બંનેની સ્વસ્થતા હાંસલ કરી શકાય છે તેવું ઉમેરીને તેને કાયમી જીવનનો ભાગ બનાવી અપનાવવા જણાવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, ઉચ્ચ અધિકારીઓ, કર્મયોગીઓ તથા ભુજવાસીઓ સહિત 535 યોગસાધકોએ સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો.
ગુજરાતે નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર કરીને કરી
ઉલ્લેખનીય છે કે, સૂર્ય એટલે ઊર્જાનો સ્ત્રોત ત્યારે ગરવી ગુજરાતે નવા વર્ષની શરૂઆત સૂર્ય નમસ્કાર કરીને કરી હતી. સૂર્ય નમસ્કાર, જેને ‘ધ અલ્ટીમેટ આસન’ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પીઠ તેમજ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર ઘટાડે છે. નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે જે ત્વચા માટે પણ ફળદાયી બની રહે છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઇ પટેલ અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.વાઘેલા, જિલ્લા રમત-ગમત અધિકારી મુકેશભાઇ ગોયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નરસિંહભાઇ ગાગલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવી, અગ્રણીઓ, અધિકારીઓ, યોગ સાધકો, વિદ્યાર્થીઓ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : પાટણ: રાણકી વાવ ખાતે બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્યનમસ્કાર
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં