ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

મુંબઈ બ્લાસ્ટની વરસી પર ફરી બ્લાસ્ટનું ષડયંત્ર! પન્નુએ BSE પર હુમલાની આપી ધમકી

  • આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર
  • NSE/BSEને નિશાન બનાવીને ભારતના આર્થિક વિનાશની ધમકી આપી

નવી દિલ્હી, 1 જાન્યુઆરી : અમેરિકામાં બેઠેલા કટ્ટરપંથી અલગતાવાદી અને શીખ ફોર જસ્ટિસના સ્થાપક ગુરપતવંતસિંહ પન્નુને ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. અલગ ખાલિસ્તાન બનાવવા પર જનમત મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ આતંકવાદી પન્નુએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને નિશાન બનાવીને ભારતના આર્થિક વિનાશની ઉશ્કેરણીજનક ધમકી આપી છે. જેમાં તેણે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોની વર્ષગાંઠ એટલે કે 12 માર્ચના રોજ BSE પર હુમલા કરવાનું કહ્યું છે, મુંબઈ બ્લાસ્ટની ઘટનામાં BSE બિલ્ડીંગ સહિત અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

12 માર્ચ, 1993ના રોજ થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં BSE બિલ્ડિંગને નુકસાન થયું હતું, પન્નુએ આ વખતે કહ્યું કે, ’12 માર્ચે NSE/BSEને નિશાન બનાવવા માટે શીખ ફોર જસ્ટિસના આહ્વાનનો ઉદ્દેશ્ય ભારતની આર્થિક વ્યવસ્થાને નષ્ટ કરવાનો છે. ભારત દ્વારા ‘આતંકવાદી’ જાહેર કરવામાં આવેલા પન્નુએ 12 માર્ચ પહેલા ભારતીય શેરોને ડમ્પ કરવા અને યુ.એસ. સ્ટોક ખરીદવાનું આહ્વાન કર્યું છે. તેણે તે બેંકો અને કોર્પોરેટ્સની પણ ઓળખ આપી જે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરે છે.

ભારતની આર્થિક સ્થિરતા પર નજર !

અહેવાલ મુજબ, પન્નુની ધમકી અંગે ભારતીય ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા વ્યક્તિએ જણાવ્યું છે કે, ‘જનમત મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ પન્નુ નવા અભિયાન દ્વારા પૈસા કમાવવા માંગે છે. તે વિદેશી એજન્સીઓ માટે કામ કરતો વિદેશી એજન્ટ છે આવી એજન્સી અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે પન્નુનું રક્ષણ કરી રહી છે. પન્નુએ PMને ધમકી આપી હતી અને હવે તે ભારતની આર્થિક સ્થિરતાને નિશાન બનાવવા માંગે છે. પન્નુ વૈશ્વિક આતંકવાદી છે જેની સામે હવે કાર્યવાહી થવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, પન્નુએ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વધુ એક ધમકી આપી હતી, જેમાં તેણે 30 ડિસેમ્બરે PMના અયોધ્યા રોડ શોને રોકવા માટે મુસ્લિમોને ઉશ્કેર્યા હતા અને તેના માટે એક લાખ ડોલરનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

એર ઈન્ડિયા-સંસદ પર હુમલો કરવાની પણ આપી હતી ધમકી

ભારત વિરુદ્ધ ખતરનાક કાવતરાના ભાગ રૂપે, પન્નુએ તાજેતરમાં દ્વેષપૂર્ણ ભાષણમાં એ પણ સવાલ પૂછ્યો હતો કે, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશપ્રધાન એસ. જયશંકર અને NSA અજીત ડોભાલ પાસે ’24 કલાક સુરક્ષા વ્યવસ્થા’ છે. ગયા મહિને 19 નવેમ્બરે તેણે એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરોને ધમકી આપતો વીડિયો જાહેર કર્યો હતો. ત્યારબાદ ભારતની સંસદ પર હુમલો કરવાની ધમકી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, શીખ ફોર જસ્ટિસ સંગઠનએ US સ્થિત સંગઠન છે, જેને ભારત સરકાર દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓ માટે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. જુલાઇ 2020માં, પન્નુને અલગતાવાદને પ્રોત્સાહન આપવા અને કથિત રીતે પંજાબી શીખ યુવાનોને શસ્ત્રો ઉપાડવા માટે પ્રોત્સાહિત કરવા બદલ UAPA હેઠળ ભારત દ્વારા ‘આતંકવાદી’ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ જુઓ :જાપાનમાં 7.9ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી

Back to top button