દિલ્હી: ભારે ધુમ્મસના કારણે અનેક ટ્રેનો મોડી પડી
- ભારે ધુમ્મસના કારણે દેશભરમાં સેંકડો ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે
- દિલ્હી આવતી અનેક ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે તો કેટલીકના રુટ બદલવા પડ્યા છે
નવી દિલ્હી, 01 જાન્યુઆરી: દેશભરમાં શિયાળો જામ્યો છે પરંતુ ઉત્તર ભારતમાં ઠંડીએ જોર પકડ્યું છે, જેના કારણે અનેક મોટા શહેરોમાં ભારે ધુમ્મસ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધુમ્મસની સૌથી ખરાબ અસર ટ્રાફિક પર પડી છે. દેશભરમાં સેંકડો ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે. આ ઉપરાંત અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી રહી છે, તો કેટલીક દિલ્હી જતી ફ્લાઈટના રૂટ બદલવા પડ્યા છે.
આ દરમિયાન ઉત્તર રેલવેએ માહિતી આપી છે કે દિલ્હી આવતી 21 ટ્રેનો મોડી ચાલી રહી છે. ઘણી ટ્રેનો ચારથી પાંચ કલાક મોડી ચાલી રહી છે. અગાઉ 31 ડિસેમ્બરે પણ દિલ્હીથી દોડતી 23 ટ્રેનો મોડી પડી હતી. ટ્રેનો મોડી પડતાં અનેક મુસાફરોએ કાતિલ ઠંડીમાં રાહ જોવાનો વારો આવ્યો હતો.
દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને શીત લહેર સતત તબાહી મચાવી રહી છે. અહીં લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. આ સાથે IMDએ કહ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી કોલ્ડવેવમાં ઘટાડો થવાના કોઈ સંકેત નથી. બગડતી હવામાનની સ્થિતિને જોતા ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ લોકોને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર આવવા અપીલ કરવામાં આવી છે.
દિલ્હી-NCRમાં પ્રદૂષણ વધ્યું
તાપમાનમાં ઘટાડો અને વધતી ઠંડી ઉપરાંત પ્રદૂષણે ફરી દિલ્હીના લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે. 31 ડિસેમ્બરે દિલ્હીમાં AQI 382 રેકોર્ડ કરવામાં આવ્યો હતો. નવા વર્ષમાં પણ આમાં કોઈ રાહતની આશા નથી. નવા વર્ષ નિમિત્તે દિલ્હી-એનસીઆરમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવે છે. જેની અસર હવાની ગુણવત્તા પર દેખાવા લાગી છે. ઘણા વિસ્તારોમાં AQI સવારે 6 વાગ્યે 400ને પાર કરી ગયો હતો.
આ પણ વાંચો: ધુમ્મસને કારણે દર વર્ષે સરેરાશ 18 હજાર મૃત્યુ; યુપી-બિહારમાં સૌથી વધુ