ખેડા અને મોરબીમાં યોગ સાધકો સૂર્ય નમસ્કાર કરીને વર્લ્ડ રેકોર્ડનો હિસ્સો બન્યા
ખેડા/મોરબી, 01 જાન્યુઆરી 2024: રાજય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજયમાં 108 સ્થળો પર રાજ્યવ્યાપી “સૂર્ય નમસ્કાર અભિયાન” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોઢેરા ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. નવા વર્ષે સૂરજની પહેલી કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે ખેડા અને મોરબીમાં ખાતે આજે વહેલી સવારે હજારો યુવાનો સૂર્ય નમસ્કાર અભિયાનમાં સહભાગી થયા હતા.
ખેડા ખાતે 547 લોકો અભિયાનમાં જોડાયા
આજે સવારે 07 કલાક થી 08:45 કલાક સુધી ખેડાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કુલ 547 જેટલા સહભાગીઓ સૂર્ય નમસ્કાર કરી રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનમાં સહભાગી થયા. આ પ્રસંગે ખેડા જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા કલેકટર, અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના મહાનુભાવોએ પણ સૂર્ય નમસ્કાર કરી તંદુરસ્ત જીવન જીવવા માટે લોકોને પ્રેરણા પૂરી પાડી હતી. આ ઉપરાંત, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા સૂર્ય નમસ્કારના લાભ જણાવી ઉપસ્થિત તમામને નિરોગી જીવન માટે સંકલ્પબદ્ધ થવા અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ, જિલ્લા કલેકટર કે. એલ. બચાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નડિયાદ પ્રાંત અધિકારી કલ્પેશ સુવેરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા, જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવેથીયા સહિત સંબધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, સૂર્યનમસ્કાર સહભાગીદાર ભાઈઓ, બહેનો, કોચ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
મોરબીમાં સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમમાં ફાળો નોંધાવ્યો
મોરબી જિલ્લો પણ આ સિદ્ધિમાં સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. મોરબીમાં નવા વર્ષે નવી ઊર્જા સાથે નાલંદા વિદ્યાલય ખાતે ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથરીયા અને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 606 યોગ સાધકો સૂર્ય નમસ્કાર કરી ગુજરાતની આ ઐતિહાસિક સિદ્ધિમાં સહભાગી બન્યા હતા. મોરબીના યોગ સાધકો, યોગ ટ્રેનર, યોગ કોર્ડીનેટર તથા યોગ કોચ સહિત સૌએ મળી 11 સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી વિશ્વ સ્તરે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારવા સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો:મોઢેરાના સૂર્ય મંદિર ખાતે સૂર્યના પ્રથમ કિરણની સાક્ષીએ સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ