નવી દિલ્હી, 31 ડિસેમ્બર : મણિપુરમાં હજુ સંપૂર્ણ શાંતિ સ્થાપિત થઈ નથી. મણિપુરના મોરેહમાં પોલીસ અને સશસ્ત્ર આતંકવાદીઓ વચ્ચે વધી રહેલા સંઘર્ષને કારણે સ્થિતિ વધુ ગરમાઈ છે. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો અને અડધી રાત્રે રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર પોલીસ કમાન્ડો ઘાયલ થયા હતા. આરપીજી હુમલા પહેલા, 30 ડિસેમ્બરે, આતંકવાદીઓએ દિવસ દરમિયાન પણ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ દરમિયાન એક પોલીસકર્મીના પગમાં ઈજા થઈ હતી.આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કરવા માટે આઈઈડીનો ઉપયોગ કર્યો છે.
લગભગ 11:40 વાગ્યે, શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળો પર આરપીજી હુમલો કર્યો હતો. આ પછી આતંકવાદીઓએ મોરેહમાં તૈનાત પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસ દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આખી રાત બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો. હુમલાખોરોએ ખાસ પોલીસ કમાન્ડોની બેરેકને નિશાન બનાવી હતી, જેમાં ચાર અધિકારીઓ ઘાયલ થયા હતા. જેઓ પોતાના ક્વાર્ટરમાં આરામ કરી રહ્યા હતા.
આરપીજી હુમલો એટલો ઘાતક હતો કે પોલીસ અધિકારીઓને માત્ર ગંભીર ઈજાઓ જ નથી થઈ, પરંતુ એક પોલીસ અધિકારીએ સાંભળવાની શક્તિ પણ ગુમાવી દીધી હતી. આ પહેલા, 30 ડિસેમ્બર, શનિવારે, આતંકવાદીઓએ આસામ રાઇફલ્સના મુખ્ય બેઝ નજીક મોરેહમાં તૈનાત વિશેષ કમાન્ડોને નિશાન બનાવ્યા હતા. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. જેના કારણે એક પોલીસ કમાન્ડો ઘાયલ થયો હતો.
પોલીસે જણાવ્યું કે અજાણ્યા બંદૂકધારીઓએ તેંગનોપલ જિલ્લાના મોરેહ વોર્ડ નંબર 9માં ચિકિમ વેંગ ખાતે મોરેહ કમાન્ડો ટીમ પર ગોળીબાર કર્યો અને બોમ્બ ફેંક્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે મણિપુર પોલીસ કમાન્ડો આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતમાં બે બોમ્બ વિસ્ફોટ થયા હતા, ત્યારબાદ 350 થી 400 રાઉન્ડ ગોળી વાગી હતી. મોરેહમાં પણ બે ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી.