ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસમધ્ય ગુજરાત

જૂનાગઢઃ પ્રાકૃતિક ખેતીની સફળતાએ બદલ્યું ખેડૂત હિતેશભાઈનું જીવન

  • સફળ ખેડૂત હિતેશભાઈની પ્રાકૃતિક ખેતીની વાત, વીધે કમાય છે 40થી 50 હજાર
  • ખેતી વધુને વધુ ખર્ચાળ બની રહી છે ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે: હિતેશભાઈ દોમડીયા

જૂનાગઢ, 31 ડિસેમ્બર: જૂનાગઢની ભાગોળે આવેલા વડાલ ગામના ખેડૂત હિતેશભાઈ દોમડીયાના પ્રાકૃતિક ખેતીના અનુભવો જાણવા જેવા છે. 20 વીઘા પોતાની અને 30 વીઘા ભાડે રાખી કુલ 50 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરતા હિતેશભાઈ એક વીઘે જુદા જુદા પાકોમાંથી 40 થી 50 હજારની કમાણી કરી રહ્યા છે. કૃષિ અંગે એક તજજ્ઞ જેટલું જ જ્ઞાન ધરાવતા હિતેશભાઈ બે લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત-પ્રેરિત કરી ચૂક્યા છે. આમ, જિલ્લામાં પ્રાકૃતિક ખેતિની મુહિમને આગળ વધારવા માટે પણ ખૂબ યોગદાન આપી રહ્યા છે.

  • પ્રાકૃતિક કૃષિનું ભવિષ્ય ખૂબ ઉજળુ છે, પ્રાકૃતિક ખેત પેદાશો માટે લોકોમાં એક જાગૃતિ જોવા મળી રહી છે તેના લીધે આ પેદાશોની માંગમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે: હિતેશભાઈ દોમડીયા

હિતેશભાઈએ વારસામાં ખેતી સંભાળી ત્યારથી વાત કરતા કહે છે કે, પરંપરાગત રીતે મગફળી અને ઘઉંની ખેતી કરતા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને અન્ય નિષ્ણાતોના માર્ગદર્શન બાદ ટેટી, ટમેટા, કાકડી, તરબૂચ વગેરે પાકોની ખેતી શરૂ કરી. તેનો શરૂઆતમાં ખૂબ લાભ મળ્યો. પરંતુ વર્ષો વર્ષ આ પાકોમાં સારું ઉત્પાદન મેળવવા માટે જંતુનાશક દવાઓના ડોઝમાં વધારો કરવો પડ્યો. એક સમયે એક પાક લેવા માટે 10 થી 15 વખત જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડતો. આમ, દવાઓ વધુ છંટકાવથી અને ખાતરના ઉપયોગ ઉપરાંત મજૂરી વગેરેને જોડતા ખેતી ખર્ચમાં ખૂબ મોટો વધારો થવા લાગ્યો, ત્યાર બાદ ખેતીની આ સ્થિતિ જોઈ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા.

  • ખેતી વિશેની નવીન બાબતો જાણતા રહેતા. જેમાં પ્રાકૃતિક ખેતી વિશે પણ જાણ્યું અને શિબિરના માધ્યમથી તેનો અભ્યાસ કર્યો. પ્રાકૃતિક ફાર્મ્સની રૂબરૂ મુલાકાતો કરી. પ્રાકૃતિક ખેતી શરૂ કરી: હિતેશભાઈ દોમડીયા

પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવવા પ્રાકૃતિક ખેતીના મૂળ સિદ્ધાંત અનુસરવા જરૂરી: હિતેશભાઈ

હિતેશભાઈ પ્રાકૃતિક ખેતીની શરુઆતની વાત કરતાં કહે છે કે, શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન પર નહીવત અસર રહી હતી. છેલ્લા આઠેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હિતેશભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતીના મૂળ સિદ્ધાંતો અનુસરવામાં ન આવે તો નિષ્ફળતા મળી શકે. જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને મિશ્ર પાકતી ખેતી, અચ્છાદન (મલચિંગ) અને પાકના વાવેતર માટે માટીથી જ બનેલો ખાસ પ્રકારનો બેડ. પ્રાકૃતિક ખેતીમાં આ બાબતોને અનુસરવી અનિવાર્ય છે.

પાકને પાણીની નહીં પણ ભેજની જરુરિયાત વધારે હોય છે: હિતેશભાઈ 

કૃષિ પાકો ૯૮ ટકા જેટલું પોષણ વાતાવરણમાંથી મેળવે છે. ઉપરાંત અન્ય પોષણ ઘટકોમાં પાકના વિકાસ માટે પાણીની નહીં પણ ખરા અર્થમાં ભેજની જરૂરિયાત હોય છે. તેમજ કૃષિ પાકોના પોષણ માટે ઓક્સિજન અને બેક્ટેરિયાની જરૂરિયાત હોય છે. આમ, કૃષિ પાકોને ભેજ અને ઓક્સિજન મળી તે માટે પાકના વાવેતર માટે માટીનો ખાસ પ્રકારનો બેડ અને અચ્છાદન કરવું આવશ્યક છે. આમ પ્રાકૃતિક ખેતીમાં પાણીની જરૂરિયાત ખૂબ ઓછી રહે છે.

વધતા ખર્ચ જોતાં ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે: હિતેશભાઈ દોમડીયા

ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેકના કારણે જમીનનો સેન્દ્રીય કાર્બન ખૂબ નીચો ગયો છે. એક સમયે આપણી જમીનનો સરેરાશ સેન્દ્રીય કાર્બન ૨.૫ ટકા જેટલો હતો. જે હવે ૦.૫ સુધીનો જોવા મળી રહ્યો છે. આમ, જમીનની ફળદ્રુપતા ઘટવાથી ઉત્પાદન પર અસર વર્તાઈ રહી છે. આમ, ઉત્પાદનમાં ઘટાડા અને વધુ ખેતી ખર્ચના લીધે એક સમયે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય થઈ જશે.

જૂનાગઢમાં પ્રાકૃતિક કૃષિ મોલ બનવા જઈ રહ્યો છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત સરકાર પણ પ્રાકૃતિક ખેતીના આંદોલનને આગળ વધારી રહ્યા છે, આ પ્રયાસોથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદનો વેચવા માટે માર્કેટ મળી રહે તે માટે એક અલાયદી વ્યવસ્થા પણ કરી છે. વધુમાં એક પ્રાકૃતિક કૃષિ મોલ પણ જૂનાગઢમાં બનવા જઈ રહ્યો છે. જેનો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પણ તેનો લાભ મળશે.

ખેડૂતોએ ગાયો રાખવાની આ વ્યવસ્થા આપનાવવી જોઈએ

 

હિતેશભાઈ પ્રાકૃતિક ખેતીના અનિવાર્ય ભાગ એવા ગાયોનું ખૂબ જતન કરી રહ્યા છે. વડાલ ગામની ગૌશાળાની સંચાલનની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. તેઓ ખેડૂતોને ગાય રાખવા માટે જે સાનુકૂળતા છે તેનો ઉકેલ આપતા કહે છે કે, ગાયને એક ખુલ્લી જગ્યામાં રાખવી જોઈએ. આ જગ્યાને ફરતી કોર્ડન કરી લેવી. અને આ જગ્યામાં ગાય માટે એક ગમાણમાં સૂકો અને બીજી ગમાણમાં લીલો ઘાસચારો અને એક પીવાના પાણીની કુંડી રાખી દેવી જોઈએ. જેથી ગાયને અવારનવાર નીરણ નાખવા કે પાણી પાવા માટે તને સમય ફાળવવો પડતો નથી. આમ, ગાય પણ મુક્ત રીતે હરી-ફરી શકે છે. જરૂરિયાત મુજબ નીરણ આરોગી કે પાણી પી શકે છે. હિતેશભાઈ એ પણ પોતાની વાડીએ આ પ્રકારે ગાયોને રાખવાની વ્યવસ્થા કરી છે. આમ, ખેડૂતો સહિત દરેક લોકો પાસે આજે સમયનો અભાવ છે, ત્યારે આ વ્યવસ્થા ખેડૂતોને કામ લાગે તેવી છે.

આ પણ વાંચો: કૃષિ સાધનની ખરીદી પર સહાય માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાયું

Back to top button