અમદાવાદમાં CMના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકાયો, 15 લાખથી વધુ ફૂલ-છોડ કરશે આકર્ષિત
- ફ્લાવર શૉમાં વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ-છોડ શહેરીજનોને આકર્ષિત કરશે
- 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફ્લાવર શોમાં અનેક આકર્ષણો ઉમેરાયાં
અમદાવાદ, 30 ડિસેમ્બર: અમદાવાદીઓ આજથી 15 જાન્યુઆરી સુધી ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024’માં 15 લાખથી વધુ ફૂલ-છોડ નિહાળી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ફ્લાવર શો નિહાળવા માટે લોકોએ સોમથી શુક્ર 50 રુપિયા ચૂકવવા પડશે. જ્યારે શનિ-રવિ ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે આ બે દિવસે રુપિયા 75 ચૂકવવાના રહેશે.
‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024’ના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો, અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી-જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે.
આ ઉપરાંત ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે.
- વધુમાં આ ફ્લાવર શૉમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવનાર છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલ, શહેરના ધારાસભ્યઓ, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન, મ્યુનિ.ના પદાધિકારીઓ, અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: સુરતમાં રખડતા શ્વાનનો આતંક, સવાર સવારમાં બાળકથી લઈ આધેડ વયના લોકોને બચકાં ભર્યાં