ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે ત્યારે બીજી તરફ લાખોની કિંમતનો દારૂની હેરાફેરી અવરનવર સામે આવતી રહેતી હોય છે. જેમાં હવે અમદાવાદ પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદ પીસીબીએ ચાંદખેડામાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
ગુજરાતમાં અમદાવાદની ચાંદેખડા પીસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે ટીમે ફિલ્મી ઢબે રેડ પાડી હતી. જેમાં સ્થળ પરથી આશરે 700 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો અને ચાર આરોપીઓને ઝડપી પડ્યા. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ટ્રકમાં લાવવામાં આવતો હતો. જેને ત્યાં હાજર ગાડીઓમાં ભરી દેવામાં આવતો હતો. જે જગ્યા પરથી દારૂનો જથ્થો પકડાયો છે તેને જોતાં મોટો દારૂનો ઠેકો હોય તેવા દ્રશ્યો છે.
પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, અહીં 10 થી વધુ કાર મળી આવી છે. જેના દ્વારા દારૂનો જથ્થો મૂકીને તેને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવતો હતો. તેમજ આ તમામ ગાડીઓના માલિક અને જગ્યા અંગે સાથે જ સૌરાષ્ટ્ર સુધી તાર જોડાયેલા છે તો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
આ ઘટનામાં ચાંદખેડા વિસ્તારમાં દારૂનું કટિંગ થતું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, હજુય મુદ્દામાલની સંખ્યામાં વધારો થઈ શકે છે. હાલમાં આ ઘટનામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમજ ગાડીના માલિક અને અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
ખાસ નોંધ કરવા જેવી વાત એ છેકે અગાઉ પણ આ જગ્યા પર દારૂ ઉતરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા પકડવામાં આવેલા આરોપીઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ટ્રક તથા દારૂ મળી દોઢેક કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.