સરકારી નોકરીમાં નકલી ભરતીનું કૌભાંડ? જાણો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો શું છે દાવો
અમદાવાદ, 29 ડિસેમ્બર 2023, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારી નોકરીમાં નકલી ભરતીના આક્ષેપો કર્યા છે. તેમણે દિયોદરના કેતન કુમાર શાહ અને રણજિત ઓડે લાખો રૂપિયા લઈ પોલીસ, સબ-ઓડિટર, GSPC, રેલવે અને આરોગ્ય વિભાગમાં બનાવટી ઉમેદવારોની ભરતી કર્યાનો મીડિયા સમક્ષ દાવો કર્યો છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, અમે પોલીસમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે ફરિયાદ લેવાની ના પાડી હતી જેથી અમે કોર્ટમાં ફરિયાદ કરી છે. આવા 14 ઉમેદવાર અમારી પાસે આવ્યા જેઓ પાસેથી આ બન્નેએ રૂપિયા લઈ છેતરપિંડી આચરી છે.
સરકારી ભરતીમાં યુવાનોને લગાડવા માટેનું એક કૌભાંડ
યુવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં નકલી પીએસઆઈ મયૂર તડવીનો આપણે ઘટસ્ફોટ કર્યો હતો. ત્યાર બાદ ગુજરાતભરમાંથી અલગ અલગ નકલીકાંડ સામે આવ્યા હતા. આ નકલી હજી સુધી બંધ થયું નથી.આજે જે વાત મૂકવા જઈ રહ્યા છીએ એની અમે અગાઉ ફરિયાદ કરી ચૂક્યા છીએ, અરજી આપી ચૂક્યા છીએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી ફરિયાદ ચોપડે નોંધવામાં આવતી નથી. બે વ્યક્તિ, જેમાં એક કેતન કુમાર શાહ અને બીજા રણજિત ઓડ બંને દિયોદરમાં ખાસ કરીને સરકારી ભરતીમાં યુવાનોને લગાડવા માટેનું એક કૌભાંડ ચલાવી રહ્યા છે.
ભરતી પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાનું ષડ્યંત્ર
યુવરાજસિંહે વધુમા જણાવ્યું હતું કે આજે જોવા જઈએ તો સરકારી ભરતીમાં સીધું સેટિંગ કરી આપવું, ત્યારબાદ તેઓ સીધા જ નિમણૂકપત્રો આપી રહ્યા છે. ગુજરાત સરકારની ભરતી પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાનું ષડ્યંત્ર કરી રહ્યા છે. ફક્ત ગુજરાતની ભરતીમાં જ નહીં, એ કેન્દ્ર સરકારની જે રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની ભરતી હોય એમાં પણ કૌભાંડ કરી ઉમેદવારોને લગાડવાનું કાર્ય કરી રહ્યા છે. આ દાવાના પુરાવા તરીકે ઓડિયો રેકોર્ડિંગ અને વ્હોટ્સએપ ચેટ અમારી પાસે છે.
ઠગાઈનો ભોગ બનનાર પોલીસ ફરિયાદ કરે છે પણ થતી નથી
તેમણે છેલ્લે જણાવ્યું હતું કે સરકારી નોકરી આપવાની લાલચ આપવામાં આવી એની સૌપ્રથમ પોલીસ સ્ટેશન દિયોદર ખાતે લેખિતમાં અરજી કરી હતી. અરજદાર ગોવિંદજી શંભુજી જે મારી બાજુમાં બેઠા છે. સામા પક્ષે જેણે પૈસાનું ઉઘરાણું કર્યું છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તને પીએસઆઈ તરીકે લગાડવામાં આવશે. તારે 35 લાખ રૂપિયા દેવાના છે જેથી સરકારી નોકરીની લાલચમાં આવી વ્યક્તિ ફસાય છે અને ક્યાંક ને ક્યાંક તેની સાથે ઠગાઈ કરવામાં આવી છે એવું તે જાણે છે ત્યારે ઠગ બનનાર ઉમેદવાર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા જાય છે પણ તેની ફરિયાદ લેવામાં આવતી નથી.
આ પણ વાંચોઃગિફ્ટ સિટીને ફળી દારુબંધીની છૂટઃ ટૂંકાગાળામાં થઈ ગયા અધધ સોદા