ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

CISFના પ્રથમ મહિલા DG તરીકે નીના સિંહની વરણી

નવી દિલ્હી, 29 ડિસેમ્બર : CISFના ડિરેક્ટર જનરલ તરીકે નીના સિંહની નિયુક્તિ થઈ છે. તેઓ રાજસ્થાન કેડરના 1989 બેચનના  IPS અધિકારી છે. અગાઉ તેણી CISFના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG)નો હોદ્દો સાંભળી રહ્યાં હતાં.

IPS નીના સિંહ CISF ના નવા DG

કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે ત્રણ અર્ધલશ્કરી દળોના નવા વડા તરીકે ઘણા હાર્ડકોર IB અધિકારીઓની નિમણૂક કરી હતી. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)માં સૌથી મોટો ફેરફાર થયો છે, જ્યાં 54 વર્ષમાં પ્રથમ વખત મહિલા અધિકારી નીના સિંહને CISF સુરક્ષા દળની કમાન સોંપવામાં આવી છે. 1969માં રચાયેલી CISFની કમાન્ડ માત્ર પુરૂષ અધિકારીઓ જ સંભાળતા હતા. તેણી 2021 માં જ CISF માં જોડાઈ હતી. નિવૃત્તિ પહેલા તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નીના સિંહ 31 જુલાઈ 2024 ના રોજ નિવૃત્ત થવા જઈ રહી છે, ત્યાં સુધી તેઓ CISF ચીફ રહેશે.

કોણ છે નીના સિંહ?

CISFના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત નીના સિંહ રાજસ્થાન કેડરના 1989 બેચના IPS અધિકારી છે. અગાઉ તે CISFના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG)નો હોદ્દો સંભાળી રહ્યાં હતાં. નીના સિંહ બિહારમાં પટણાનાં રહેવાસી છે. તેણીએ મહિલા કોલેજ પટનામાંથી અભ્યાસ કર્યો, ત્યારબાદ તેણે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો. તેમણે નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી અને એસ્થર ડુફ્લો સાથે બે સંશોધન પત્રો પણ લખ્યા છે. તેણીએ કેન્દ્ર સરકારમાં પણ સેવા આપી છે.

તેઓ રાજસ્થાન પોલીસમાં પ્રથમ મહિલા ડીજી હતાં

પોલીસમાં ડીજીનું પદ મેળવનાર પણ તેઓ પ્રથમ મહિલા અધિકારી હતાં. IPS નીના સિંહે વર્ષ 2000 માં રાજસ્થાન મહિલા આયોગના સભ્ય સચિવનું પદ સંભાળ્યું હતું, જ્યાં તેમણે મહિલાઓ માટે આઉટરીચ અભિયાન ચલાવ્યું હતું. જેમાં આયોગના સભ્યોને વિવિધ જિલ્લાઓની મુલાકાત લઇ મહિલાઓનો સંપર્ક કરી તેમની સમસ્યાઓ સાંભળવા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.

નીના સિંહ સીબીઆઈમાં પણ કામ કરી ચૂક્યાં

વર્ષ 2013માં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે સીબીઆઈમાં જોડાયાં હતાં, જ્યાં તેમણે વર્ષ 2018 સુધી આ પદ પર સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન, તેમણે બેંક છેતરપિંડી, ભ્રષ્ટાચાર, આર્થિક ગુનાઓ અને ઘણા હાઇ-પ્રોફાઇલ કેસોમાં પણ કામ કર્યું હતું. એક અહેવાલ અનુસાર, IPS નીના સિંહ શીના બોરા મર્ડર કેસ, જિયા ખાન આત્મહત્યા અને નીરવ મોદી PNB કૌભાંડ કેસની તપાસનો હિસ્સો છે. તેમને વર્ષ 2020માં સૌથી શ્રેષ્ઠ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

નીના સિંહના પતિ પણ IAS ઓફિસર

નીના સિંહના પતિ રોહિત કુમાર પણ રાજસ્થાન કેડરના IAS ઓફિસર છે. તેઓ 2020-21માં રાજસ્થાનમાં મુખ્ય સચિવ (આરોગ્ય) હતા, હાલમાં તેઓ કેન્દ્રીય ગ્રાહક મંત્રાલયમાં સચિવ છે.

આ ઉપરાંત, IPS નીના સિંહ સિવાય મણિપુર કેડર 1989 બેચના IPS ઓફિસર રાહુલ રસગોત્રાને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેઓ અગાઉ ઈન્ટેલિજન્સ બ્યુરોના વિશેષ નિર્દેશક હતા. જ્યારે ITBPના વડા અનીશ દયાલ સિંહને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કર્મચારી મંત્રાલયના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો : SBIએ FD વ્યાજ દરમાં કર્યો વધારો, જાણો શું છે નવીનતમ દર

Back to top button