કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસની બોલેરો ચોરાઈ, આરોપીને પોલીસે જામનગરથી દબોચ્યો

Text To Speech

દેવભૂમી દ્વારકા, 28 ડિસેમ્બર 2023, ગુજરાતમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. દેવભૂમી દ્વારકામાં પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસની બોલેરો ગાડીની ચોરી થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. જો કે, આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. બોલેરો ગાડી ચોરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે દ્વારકા પોલીસ મથકની જી.જે. 18 જી.બી. 7269 નંબરની સરકારી બોલેરો જીપ કે જે દ્વારકા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં રાખવામાં આવી હતી. જે સવારે આશરે 8:15 વાગ્યાના સમયે કોઈ શખસ ચોરી કરીને લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું હતું. આ ગંભીર બાબતે પોલીસે તાકીદની કાર્યવાહી કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરી હતી. આ બોલેરો વાહન સૌપ્રથમ તો દ્વારકા નજીકના કુરંગા અને ત્યાર બાદ ખંભાળિયાના ટોલનાકા પાસેથી પસાર થઈ અને જામનગર તરફ ગયું હોવા અંગેના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા હતા.

બોલેરો જીપને ઝડપી પાડવામાં આવી હતી
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નિર્દેશ પાંડેયની સુચના મુજબ, આ બાબતે જામનગર જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી જામનગર એલ.સી.બી. પોલીસ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા જામનગરમાં આવેલી અંબર ચોકડી પાસેથી આ બોલેરો જીપને ઝડપી પાડવામાં આવી હતી. આ બોલેરોમાં એક જ શખસ હતો. જેનો ચાલક મોહિત અશોકભાઈ શર્મા કે જે ગાંધીધામનો હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃગુજરાત ST નિગમના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો, નાણા વિભાગે મંજૂરી આપી

Back to top button