2023ની અંતિમ સંકષ્ટી ચતુર્થીઃ જાણો શું છે તેનું મહત્ત્વ
- આ ચતુર્થીની શરૂઆત 30 ડિસેમ્બરની સવારે 9.43 વાગ્યે થશે અને 31 ડિસેમ્બરની સવારે 11.55 સુધી તે ચાલશે. માગશર વદની આ સંકષ્ટી ચતુર્થી અખુરથ સંકષ્ટી તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષનો આખરી દિવસ 31 ડિસેમ્બર અને રવિવારના રોજ આવે છે. વર્ષનું આખરી સંકષ્ટી ચતુર્થીનું વ્રત 30 ડિસેમ્બર શનિવારના રોજ રાખવામાં આવશે. આ ચતુર્થીની શરૂઆત 30 ડિસેમ્બરની સવારે 9.43 વાગ્યે થશે અને 31 ડિસેમ્બરની સવારે 11.55 સુધી તે ચાલશે. માગશર વદની આ સંકષ્ટી ચતુર્થી અખુરથ સંકષ્ટી તરીકે ઓળખવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી પર વિધ્નહર્તા ગણેશજીની પુજા કરવામાં આવે છે.
શું છે સંકષ્ટી ચતુર્થી
સંકષ્ટી ચતુર્થીનો અર્થ છે સંકટને હરનારી ચતુર્થી. એવી માન્યતા છે કે સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવાથી વ્યક્તિને તેના તમામ સંકટોમાંથી છુટકારો મળે છે. પુરાણો અનુસાર ચતુર્થી તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. આ તિથિ પર લોકો સુર્યોદયથી લઈને ચંદ્રમાનાં ઉદય સુધી ઉપવાસ કરે છે. આ વ્રત અત્યંત ફળદાયી માનવામાં આવે છે.
સંકષ્ટી ચતુર્થી પૂજા પદ્ધતિ
સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિના આશીર્વાદ મેળવવા માટે સૂર્યોદય પહેલા ઊઠીને સ્નાન કરી ઉપવાસ કરવાનો સંકલ્પ લો. આ દિવસે લાલ રંગના કપડા પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વચ્છ વસ્ત્રો પહેર્યા પછી ગણપતિની પૂજા શરૂ કરો. ગણપતિની પૂજા કરતી વખતે વ્યક્તિએ પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર તરફ રાખવું જોઈએ. ગણપતિની મૂર્તિને ફૂલોથી સારી રીતે શણગારો. પૂજા દરમિયાન તલ, ગોળ, લાડુ, ફૂલ, તાંબાના કળશમાં પાણી, ધૂપ, ચંદન અને કેળા અથવા નારિયેળ પ્રસાદ તરીકે રાખો.
ગણપતિની પૂજા દરમિયાન દેવી દુર્ગાની મૂર્તિ પાસે રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગણપતિને કુમકુમ ચઢાવો, ફૂલ અને જળ ચઢાવો. સંકષ્ટીના દિવસે ભગવાન ગણેશને તલના લાડુ અને મોદક અર્પણ કરો. ગણપતિના મંત્રનો જાપ કરો. વ્રત રાખનારાઓએ પૂજા પછી ફળ, મગફળી, ખીર, દૂધ કે સાબુદાણા જ ખાવા જોઈએ. સાંજે ચંદ્ર ઉગતા પહેલા, ગણપતિની પૂજા કરો અને સંકષ્ટી વ્રત કથાનો પાઠ કરો.
આ પણ વાંચોઃ આર્થિક તંગી હોય તો નવા વર્ષે ઘરમાં લગાવો આ ત્રણ છોડઃ આવશે બરકત