જેનો ડર હતો એ જ થયું, રોબોટે માણસ ઉપર કર્યો જીવલેણ હુમલો, વાંચો વિગત
ટેક્સાસ (અમેરિકા), 28 ડિસેમ્બર: Tesla ફેક્ટરીમાં રોબોટે એક સોફ્ટવેર એન્જિનિયર પર હુમલો કર્યો હતો. આ અક્સ્માતમાં એન્જિનિયરને ગંભીર ઈજા થઈ હતી. એન્જિનિયર પર એક માલફંક્શનિંગ થયેલા (ટેકનિકલ ખામી સર્જાયેલા) રોબોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આ રોબોટને એલ્યુમિનિયમ પાર્ટ્સને ઉપાડવા માટે ડિઝાઈન કરાયો હતો. આ બનાવ ટેસ્લાની ગીગા ટેક્સાસ ફેક્ટરીમાં થયો હતો. અહેવાલ મુજબ, રોબોટે એન્જિનિયર યુવક પર પાછળથી એટેક કર્યો હતો જેનાથી તેની પીઠ અને હાથમાં ઈજા પહોંચી હતી. જો કે, આ દુર્ઘટના બે વર્ષ પહેલા 2021માં બની હતી જેનો ખુલાસો હાલમાં થયો છે. બીજી તરફ, આ ઘટનાને ઈલોન મસ્કે નકારી કાઢી છે.
ઈલોન મસ્કે આ વાતને રદિયો આપ્યો
જો કે, ઈલોન મસ્કે આ વાતને રદિયો આપી નકારી કાઢી છે. તેમણે X પર જણાવ્યું કે, બે વર્ષ પહેલા એક સામાન્ય રોબોટ આર્મ દ્વારા ઈજા પહોંચવી અને તેને ઓપ્ટિમસનું કારણ જણાવી લોકો સુધી ફેલાવવું એ મીડિયા માટે શરમજનક બાબત છે. એક્સ પર એક યુઝર્સને જવાબ આપતાં મસ્કે કહ્યું કે, રોબોટે પોતાના ફંકશન પ્રોગ્રામ પ્રમાણે કામ કર્યું. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે કર્મચારીઓને લાગ્યું કે રોબોટ બંધ છે પરંતુ તે પ્રોગ્રામ પર કામ કરતો હતો.
કેવી રીતે રોબોટે એન્જિનિયર પર હુમલો કર્યો?
કંપનીના એક કર્મચારીના જણાવ્યા અનુસાર, એન્જિનિયર રોબોટને કન્ટ્રોલ કરનાર સૉફ્ટવેરને પ્રોગ્રામ કરી રહ્યો હતો. તેણે એલ્યુમિનિયમ કાપનારા બે રોબોટને ડિસેબલ કરી દીધા હતા. જો કે, તે ત્રીજા રોબોટને ડિસેબલ કરવાનું ભૂલી ગયો. ત્યારબાદ રોબોટે એન્જિનિયર પર એટેક કર્યો જેનાથી તે જમીન પર પટકાયો અને તરત જ તેની પીઠમાંથી લોહી વહેવા લાગ્યું. આ જોઈને બીજા કર્મચારીઓ દોડી આવ્યા અને તેને બચાવી લીધો. કંપનીએ બે વર્ષ સુધી આ દુર્ઘટના છુપાવી રાખી હતી. જો કે, 2022માં ટેક્સાસ ફેક્ટરીમાં રોબોટ-સંબંધિત અન્ય કોઈ ઇજાઓ નોંધાઈ નથી.
ટેસ્લાએ આ અહેવાલ પર ટિપ્પણી કરી નથી
જો કે ટેસ્લાએ હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ, યુએસ હેલ્થ એન્ડ સેફ્ટી એડમિનિસ્ટ્રેશનને સુપરત કરાયેલા રિપોર્ટ અનુસાર ટેસ્લાની ટેક્સાસ ફેક્ટરીમાં દર 21માંથી 1 કર્મચારી છેલ્લા એક વર્ષમાં કોઈને કોઈ કારણોસર ઘાયલ થયો છે. એટલું જ નહીં, ટેસ્લાના એક ભૂતપૂર્વ કર્મચારીએ આક્ષેપ કર્યો છે કે, કંપની બાંધકામ, જાળવણી અને કામગીરીમાં ઘણીવાર બેદરકારી દાખવે છે જેના કારણે કર્મચારીઓ આવા અકસ્માતનો શિકાર બને છે.
આ પણ વાંચો: કાર આપમેળે જગ્યા શોધીને થઈ જશે પાર્ક, જાણો શું છે Teslaનું નવું ટેપ-ટુ-પાર્ક ફીચર