ભારતીય ઓલિમ્પિક એસોસિએશને 3 સભ્યોની એક સમિતિની રચના કરી
- WFIમાં વિવાદ બાદ નવું કુસ્તી સંધ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું
- IOA દ્વારા ત્રણ સભ્યોની એડ-હોક સમિતિની રચના કરવામાં આવી
- આ સમિતિ WFIની કામગીરી અને પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખશે
નવી દિલ્હી, 27 ડિસેમ્બર: ભારતીય કુસ્તી સંઘ (WFI) છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. હવે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને WFI અંગે ત્રણ સભ્યોની એક સમિતિની રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે ભૂપેન્દ્ર સિંહ બાજવાની પસંદગી કરવામાં આવી. એમએમ સૌમ્યા અને મંજુષા કંવરને આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ WFIની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ ‘બબલુ’ નવા પ્રમુખ બન્યા. આ પછી રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. બજરંગ પુનિયાએ તેમનો પદ્મશ્રી એવોર્ડ પણ પરત કર્યો હતો.
ત્રણ સભ્યોની સમિતિ WFIના અનેક કાર્યો સંભાળશે
આ ઘટનાક્રમ બાદ રમત મંત્રાલયે WFIના નવા કુસ્તી સંઘને સસ્પેન્ડ કરી દીધુ હતું. રમતગમત મંત્રાલયના નિર્દેશો પર ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ ત્રણ સભ્યોની એડ-હોક સમિતિની રચના કરી છે. આ સમિતિ WFIની કામગીરી અને પ્રવૃત્તિઓનું ધ્યાન રાખશે. ખેલાડીઓની પસંદગી, આંતરરાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટમાં ખેલાડીઓના નામ મોકલવાની જેમ, તે ટૂર્નામેન્ટના સંગઠન અને દેખરેખનું પણ ધ્યાન રાખશે. બેંક એકાઉન્ટ પણ સંભાળશે.
એડ-હોક સમિતિ એટલે શું?
એડ-હોક સમિતિ એટલે ચોક્કસ મુદ્દાના ઉકેલ માટે રચાયેલી કામચલાઉ સમિતિ. સામાન્ય રીતે કાર્યકારી નેતૃત્વ એડ-હોક સમિતિ બનાવે છે. એડ-હોક કમિટિનું મુખ્ય કાર્ય વિશેષ સલાહ અને સૂચનો આપવાનું છે. એડ-હોક સમિતિઓમાં વિવિધ પૃષ્ઠભૂમિ અને વિદ્યાશાખાના લોકોનો સમાવેશ થઈ શકે છે.
કેમ કરવામાં આવી એડ-હોક સમિતિની રચના?
સંજય સિંહ ‘બબલુ’ ભારતીય કુસ્તી સંધના નવા પ્રમુખ બન્યા બાદ સાક્ષી મલિકે તેમના વિરોધમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેના કારણે WFIમાં વિવાદ વધી ગયો હતો. વિવાદ વધતાની સાથે જ નવા કુસ્તી સંઘના નવા ચૂંટાયેલા અધ્યક્ષ સહિત સમગ્ર નવા કુસ્તી સંઘને સરકારે દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ભારતીય ઓલિમ્પિક સંઘએ ત્રણ સભ્યોની એડ-હોક સમિતિની રચના કરી છે.
આ પણ વાંચો: મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર ઉપર મૂકાયો પ્રતિબંધ, દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી