ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકમાં યેદીયુરપ્પા શાસનમાં જંગી કોવિડ કૌભાંડનો ભાજપના નેતાનો જ આક્ષેપ

બેંંગલુરુ (કર્ણાટક), 27 ડિસેમ્બર: ભાજપના અસંતુષ્ટ ધારાસભ્ય બસનગૌડા પાટીલ યતનાલે પોતાની પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાથે તેમણે ભાજપને ચેતવણી આપતાં કહ્યું કે, જો તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે તો તેઓ કોવિડ-19 રોગચાળા દરમિયાન કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં 40,000 કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો પર્દાફાશ કરશે. તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, રાજ્યમાં ભાજપના શાસન દરમિયાન 40 ટકા કમિશનની સરકાર હતી અને યતનાલનું આ નિવેદન અગાઉ કરાયેલા આક્ષેપોના પુરાવા સમાન છે.

કર્ણાટકમાં ભાજપે મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યોઃ યતનાલ

યતનાલે કહ્યું, કર્ણાટકની ભાજપ સરકારે કોવિડ દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો છે. જો તેમણે મને પાર્ટીમાંથી હાંકી કાઢવાની કોશિશ કરી તો હું તેમનો પર્દાફાશ કરીશ. યતનાલે યેદિયુરપ્પા અને ખાસ કરીને તેમના બીજા પુત્ર બી.વાય. વિજયેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ સરકાર દરમિયાન કોરોના મેનેજમેન્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો.  એ વખતે માસ્કની કિંમત 45 રૂપિયા હતી પરંતુ ભાજપના રાજમાં 485 રૂપિયા નક્કી કરી જાહેર જનતા પાસેથી લૂંટ મચાવી હતી. પોતાની પાર્ટી પર આરોપો ઘડતાં તેમણે કહ્યું કે, ભાજપે બેંગલુરુમાં કોવિડના સમયે 10,000 પથારીની વ્યવસ્થા કરી છે. જેનું લોકોએ ભાડું ચૂકવ્યું હતું. તેઓ દરરોજ 20,000 રૂપિયા ભાડું લેતા હતા.

યતનાલે કહ્યું કે આ અંગેના દસ્તાવેજો જાહેર હિસાબ સમિતિ પાસે ઉપલબ્ધ છે. આ ઉપરાંત તેમણે પત્રકારોને કાયદા અને સંસદીય બાબતોના પ્રધાન એચકે પાટીલ સાથે ખુલાસો કરવાનું કહ્યું, જેઓ ભાજપના શાસન દરમિયાન સ્પીકર હતા.

કોવિડ સમયે 40,000 કરોડના કૌંભાડનો દાવો

યતનાલે દાવો કર્યો કે કોવિડ-19 મહામારી સમયે 40,000 કરોડ રૂપિયાની ગેરરીતિઓ થઈ હતી. ધારાસભ્યના કહેવા પ્રમાણે, બીજેપી સરકાર દરમિયાન પ્રત્યેક દર્દી પાસેથી 8 થી 10 લાખ રૂપિયા વસૂલાયા હતા. જ્યારે હું એક ખાનગી સુપરસ્પેશયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમનું બિલ 5.8 લાખ હતું. તેમણે કહ્યું કે, તેઓ સરકાર તરફથી મેડિકલ ક્લેમ મેળવવા માટે હકદાર છે, પરંતુ તેમણે પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવવાનું પસંદ કર્યું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે યતનાલનું નિવેદન કોવિડના સમયમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પુરાવો છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસે વિપક્ષમાં રહીને પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેમાં આરોપ લગાવ્યો હતો કે યેદિયુરપ્પા સરકારે કોરોનાની સારવાર અને નિયંત્રણના નામે લગભગ 4,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. જો કે, યતનાલના આરોપ પરથી લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ જે અંદાજ લગાવ્યો હતો તેના કરતા દસ ગણો વધુ ભ્રષ્ટાચાર થયો છે.

આ પણ વાંચો: કર્ણાટકમાં ભાષા વિવાદ, કન્નડમાં સાઈનબોર્ડ રાખવા સરકારનો આદેશ

Back to top button