ઇન્ટરનેશનલ ડેસ્કઃ શ્રીલંકામાં ગૃહ યુદ્ધ વચ્ચે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે ઇમરજન્સી બેઠકમાં રાજીનામું આપવાની ઓફર કરી હતી. મંજૂરી મળતાં તેણે આ પગલું ભર્યું હતું. પીએમ વિક્રમસિંઘેએ કહ્યું કે, તેમના રાજીનામાથી દેશમાં સર્વપક્ષીય સરકારની રચનાનો માર્ગ સાફ થઈ ગયો છે.
આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા હાલમાં ગૃહયુદ્ધના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. પીએમ વિક્રમસિંઘેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે તાજેતરમાં મહિન્દ્રા રાજપક્ષે બાદ દેશની બાગડોર સંભાળી છે. બીજી તરફ, અગાઉ કોલંબોમાં હજારો દેખાવકારોએ પોલીસ બેરિકેડ તોડીને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર કબજો જમાવ્યો હતો.
22 મિલિયન લોકોની વસ્તી ધરાવતા રાષ્ટ્ર શ્રીલંકાની વર્તમાન સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ ગોયબાયા રાજપક્ષે પરિવાર સાથે રાષ્ટ્રપતિ ભવન છોડી ગયા છે. એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં શ્રીલંકન મીડિયા દાવો કરી રહ્યું છે કે, સરકારી કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રપતિના સૂટકેટ નેવી જહાજમાં રાખવામાં આવી રહ્યા છે. તેઓ હાલમાં ક્યાં છે તેનો ખુલાસો થયો નથી.
શ્રીલંકાની કેબિનેટે પણ રાજીનામું આપવાનું શરૂ કર્યું
પીએમ વિક્રમસિંઘેના રાજીનામા બાદ શ્રીલંકાના કેબિનેટ મંત્રીઓએ પણ રાજીનામું આપવાનું શરૂ કરી દીધું છે. મંત્રી બંધુલા ગુણવર્ધને મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.
રાજપક્ષે ક્યારે રાજીનામું આપશે?
રાનિલ વિક્રમસિંઘેએ શ્રીલંકાના પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે પરંતુ, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ક્યારે રાજીનામું આપશે તે અંગે હજુ પણ શંકા છે. વિરોધીઓ રાજપક્ષેના રાજીનામા પર અડગ છે. પરંતુ, તે પોતે ક્યાં છે તે જાણી શકાયું નથી. સુરક્ષા સૂત્રોનો દાવો છે કે, રાષ્ટ્રપતિને બચાવવા માટે તેમને ગુપ્ત જગ્યાએ રાખવામાં આવ્યા છે. રાજપક્ષેએ રાજીનામું આપવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી તેઓ સત્તામાં છે.
શ્રીલંકામાં સર્વપક્ષીય સરકારે
વિક્રમસિંઘે રાજીનામું આપે તે પહેલાં એક કટોકટી બેઠક બોલાવી હતી. જેમાં તેમણે સર્વપક્ષીય સરકાર બનાવવાની ઓફર કરી હતી. આ ઓફર બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. વિક્રમસિંઘેના રાજીનામા બાદ દેશમાં સર્વપક્ષીય સરકાર બનાવવા માટે ક્યારે પગલાં ભરાય છે તે જોવાનું રહ્યું.