ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મદરેસામાં ભણતા યુવકે આપી ધમકી ‘ઈન્શાઅલ્લાહ પુલવામા જેવો હુમલો જલ્દી થશે’

સહારનપુર (ઉત્તર પ્રદેશ), 27 ડિસેમ્બર: પોલીસે ઉત્તર પ્રદેશના દેવબંદમાંથી મદરેસાના વિદ્યાર્થીની અટકાયત કરી છે. વિદ્યાર્થી પર વાંધાજનક પોસ્ટ કરવાનો આરોપ છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે બહુ જલ્દી ઈન્શાઅલ્લાહ બીજો પુલાવામા હુમલો થશે. પોલીસે તાત્કાલિક વિદ્યાર્થી વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. એટીએસ આરોપી વિદ્યાર્થીની પણ પૂછપરછ કરી રહી છે. પોસ્ટ બાદ ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. નવા વર્ષ પહેલા ધમકીભરી પોસ્ટને લઈને પોલીસ ગંભીર છે. પકડાયેલો આરોપી વિદ્યાર્થી ઝારખંડનો રહેવાસી છે. તે સહારનપુર જિલ્લાના દેવબંદ સ્થિત મદરેસામાં ઈસ્લામિક તાલીમ મેળવવા આવ્યો હતો.

આરોપી ઝારખંડના જમશેદપુરનો રહેવાસી

ઝારખંડના જમશેદપુરના સરાયકેલાનો રહેવાસી મોહમ્મદ તલ્હા મઝહર દેવબંદની એક મદરેસામાં અભ્યાસ કરે છે. તલ્હા પર ‘X’ પર ધમકીભરી પોસ્ટ કરવાનો આરોપ છે. પોસ્ટમાં તલ્હાએ પુલવામા જેવો બીજો હુમલો કરવાની ધમકી આપી છે. સહારનપુર પોલીસે આ પોસ્ટ અંગે આરોપી વિદ્યાર્થી તલ્હાની અટકાયત કરી છે. જિલ્લાના દેવબંદ પોલીસ સ્ટેશનની ખાનખાહ ચોકી પોલીસે તેની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ અને એટીએસ આરોપી વિદ્યાર્થીની પૂછપરછ કરી રહી છે.

પોલીસે ધરપકડ કરીને વધુ તજવીજ હાથ ધરી

સહારનપુર પોલીસે જણાવ્યું કે મામલો સામે આવ્યા બાદ આરોપી વિદ્યાર્થીના વોટ્સએપ ગ્રુપ, યુટ્યુબ, ગૂગલ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ વાંધાજનક પોસ્ટ મૂકનાર યુવક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. આ મામલે ગંભીરતાથી તપાસ ચાલુ છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પોલીસને ટેગ કર્યા અને તલ્હાની ધમકીભરી પોસ્ટ અંગે ફરિયાદ કરી છે. જે બાદ પોલીસ-પ્રશાસન એક્શનમાં આવ્યું અને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેણે આ પોસ્ટ કયા હેતુથી કરી હતી.

આ પણ વાંચો: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, ધમકીભર્યા મેઈલમાં નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ

Back to top button