આ કાર કંપની ચંદ્ર પર પાવર સપ્લાય માટે ‘મિની ન્યુક્લિયર પાવર પ્લાન્ટ’ બનાવી રહી છે
આયર્લેન્ડ, 27 ડિસેમ્બર : માણસ થોડા વર્ષોમાં ચંદ્ર પર ઘર બનાવશે. પરંતુ તે પ્રકાશ કેવી રીતે લાવશે? ત્યાં પાણી પણ નથી. પવન પણ નહીં. તો પછી વીજળી કેવી રીતે ઉત્પન્ન થશે? વિશ્વની પ્રખ્યાત કાર મેન્યુફેક્ચરિંગ કંપની Rolls Royce એ આનો જવાબ શોધી લીધો છે. તેણે ચંદ્ર પર સતત વીજ પુરવઠો આપવા માટે મિની ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું મોડલ તૈયાર કર્યું છે.
આગામી બે દાયકામાં માણસ ચંદ્ર પર પહોંચી જશે. દેશો પોતાના બેઝ બનાવશે. પ્રશ્ન એ ઊભો થાય છે કે વીજળી વિના પ્રકાશ કેવી રીતે આવશે. ચંદ્ર પર પાણી પણ નથી. પવન પણ નથી તેથી હાઇડ્રોપાવર પ્લાન્ટ પણ સ્થાપી ન શકાય. તેમજ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવરની કોઇ સિસ્ટમ પણ નથી.
તાજેતરમાં ઉત્તરી આયર્લેન્ડના બેલફાસ્ટમાં સ્પેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વની સૌથી લક્ઝરી કાર મેન્યુફેક્ચરિંગ કંપની Rolls Royce મિની ન્યુક્લિયર પ્લાન્ટનું મોડલ પ્રદર્શિત કર્યું હતું. આ 120 ઇંચ લાંબું મીની ન્યુક્લિયર રિએક્ટર જેના દ્વારા ચંદ્ર પર બનાવવામાં આવી રહેલી માનવ વસાહતને સતત વીજળીનો પુરવઠો આપવામાં આવશે.
યુકે સ્પેસ એજન્સીના ચીફ એક્ઝિક્યુટિવ પોલ બેટે જણાવ્યું હતું કે રોલ્સ રોયસનું આ ઇનોવેશન શાનદાર છે. જેના કારણે ચંદ્ર પર માનવ હાજરીને કાયમી સુવિધાઓ મળશે. ઈંગ્લેન્ડની સ્પેસ એજન્સીએ રોલ્સ રોયસને લગભગ 30.62 કરોડ રૂપિયાનું ફંડિંગ આપ્યું હતું, જેથી આ મિની ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવી શકાય. આમાંથી ભવિષ્યમાં ચંદ્ર પર લૂનર આઉટપોસ્ટ બનશે.
આ કોન્ફરન્સમાં રોલ્સ રોયસે તેના મિની-રિએક્ટરનો પ્રોટોટાઈપ બતાવ્યો હતો. રોલ્સ-રોયસના એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો હાલમાં ન્યુક્લિયર ફિશન રિએક્ટરમાંથી ઉત્સર્જિત થનારી ગરમીમાંથી ઊર્જા કેવી રીતે હાસિલ કરવી તે શોધી રહ્યા છે. આ નાનું રિએક્ટર 40 ઇંચ પહોળું અને 120 ઇંચ લાંબુ છે. હાલમાં તેમાંથી વીજળી ઉત્પન્ન થતી નથી.
જો બધું બરાબર રહેશે તો આ રિએક્ટર ઓછામાં ઓછા છ વર્ષમાં વીજળી ઉત્પન્ન કરવાનું શરૂ કરશે. આને બનાવવામાં હજી પણ કરોડો રૂપિયાનો ખર્ચ થશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ મિની ન્યુક્લિયર રિએક્ટરમાં થતાં ફિશન રિએક્શનથી વીજળી ઉત્પન્ન થશે. તે વિશ્વભરમાં સ્થાપિત ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જેવી જ ટેક્નોલોજી પર બનેલ છે. આ માત્ર એક નાનું વર્ઝન છે.
સૂર્યપ્રકાશ પૂરતી ઊર્જા પૂરી નહીં પાડી શકે
સૂર્યપ્રકાશ હંમેશા ચંદ્રના એક જ ભાગ પર પડે છે. બીજો ભાગમાં અંધારું રહે છે. તેથી સૂર્યપ્રકાશએ એક ગૌણ વિકલ્પ હોઈ શકે છે. પરંતુ સતત વીજ પુરવઠો મળે તેવી કાયમી વ્યવસ્થા કરવી જરૂરી છે. આ પરમાણુ પ્લાન્ટને ચંદ્રના ધ્રુવીય પ્રદેશોમાં એવી જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે જ્યાં વીજળી ઉત્પન્ન કરી શકાય.
રોલ્સ રોયસનો દાવો છે કે 2030 સુધીમાં તે આ મિની ન્યુક્લિયર રિએક્ટર તૈયાર કરી લેશે, જે વીજળી પેદા કરી શકે તેમજ, ચંદ્ર પર માનવ સહિત પોસ્ટ પર રહેતા અવકાશયાત્રીઓ માટે પર્યાપ્ત વેન્ટિલેશન હોય, સાથે જ જરૂર પડે ત્યારે હીટિંગ સિસ્ટમને યોગ્ય રીતે ચલાવી શકાય, આ માટે વીજળીનો સતત પુરવઠો જરૂરી છે. જે આ ન્યુક્લિયર પ્લાન્ટમાંથી મળશે.
આ પણ વાંચો : ચલણી નોટોની અંદર દોરો કેમ લાગેલો હોય છે, તેને લગાવવાનું કારણ શું છે?