ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લદ્દાખમાં ભારે હિમવર્ષા વચ્ચે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતા

  • મધ્ય રાત્રિના 4 : 33 કલાકે લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા
  • ભૂકંપ બહુ જોરદાર ન હોવાથી જાન-માલનું નુકસાન થયું નથી

લદ્દાખ, 26 જાન્યુઆરી : લદ્દાખમાં ભારે હિમવર્ષા અને ધુમ્મસ વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, મધ્ય રાત્રિના 4 : 33 કલાકે ભૂકંપ અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ લેહમાં હતું. મળતી માહિતી મુજબ, સવારે લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે કેટલાક લોકોની ઊંઘ ઉડી ગઈ અને ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપ બહુ જોરદાર ન હોવાથી જાન-માલનું નુકસાન થયું ન હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી અહીં ભારે હિમવર્ષા થઈ રહી છે.

 

એક અઠવાડિયા પહેલા પણ આવ્યો હતો ભૂકંપ

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં વારંવાર ભૂકંપ આવે છે. એક અઠવાડિયા પહેલા પણ લદ્દાખમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી અને ત્યારબાદ ઓછી તીવ્રતાના બે આંચકા અનુભવાયા હતા. આ સિવાય જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં પણ હળવો ભૂકંપ આવ્યો હતો.

અગાઉ 3 ભૂકંપના આંચકા આવ્યા

અગાઉ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનો પહેલો આંચકો બપોરે 3.48 કલાકે આવ્યો હતો અને તેનું કેન્દ્ર કારગિલ હતું. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે 33.41 ડિગ્રી અક્ષાંશ અને 76.70 ડિગ્રી રેખાંશ પર હતું. NCSએ જણાવ્યું કે, આ પછી લગભગ 4.01 વાગ્યે 4.8 અને 3.8ની તીવ્રતાના વધુ બે આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સાંજે 4.18 કલાકે 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ 33.37 ડિગ્રી અક્ષાંશ અને 76.57 ડિગ્રી રેખાંશ પર સ્થિત હતું.

ભૂકંપના કારણે તિરાડો પડવાથી મઠને અસુરક્ષિત જાહેર કરાયું હતું

તાજેતરમાં જ, લદ્દાખના ઝંસ્કર ક્ષેત્રમાં 800 વર્ષ જૂના મઠમાં તાજેતરના ભૂકંપ પછી તિરાડો પડી હતી, જેના પગલે તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. તહસીલદાર સોનમ દોરજેની આગેવાની હેઠળની સરકારી ટીમે ભૂકંપગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, જેમાં કારશા મઠના 800 વર્ષ જૂના મુખ્ય લહખાંગ (રક્ષક ચેમ્બર)નો સમાવેશ થાય છે, ભૂકંપના કારણે મઠમાં તિરાડો પડી હતી અને ટીમે “પ્રાર્થના અને મેળાવડા” માટે સ્થળને અસુરક્ષિત જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ પણ જુઓ :લદ્દાખની ધરતી કંપી ઉઠી, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ

Back to top button