બનાસકાંઠા : ડીસામાં રામજી મંદિર ખાતે આમંત્રણ પત્રિકા અને અક્ષત કળશની પૂજા અર્ચના કરાઇ
- ભજન સત્સંગ કરી પ્રભુની આરાધના કરી
પાલનપુર 25 ડિસેમ્બર 2023 : અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે ડીસાના રામજી મંદિર ખાતે અક્ષત કળશ પૂજા કાર્યક્રમ યોજાયો હતો. અયોધ્યાથી આવેલ આ અક્ષત કળશની પૂજા કરી તેને શહેરમાં ઘર ઘર સુધી પહોંચાડી લોકોને આમંત્રણ આપવામાં આવશે.
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં બનેલ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ યોજાનાર છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.આ મહોત્સવને લઇ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને લોકો આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આ મહોત્સવના આમંત્રણ માટે અયોધ્યાથી 11 અક્ષત કળશ અને આમંત્રણ પત્રિકા ડીસાના રામજી મંદિર ખાતે પહોચાડવામાં આવી છે. હિન્દુ સમાજના લોકોએ ભેગા થઈ પવિત્ર કળશ અને આમંત્રણ પત્રિકાને વધાવી ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી. ત્યારબાદ રામજી મંદિર ખાતે ભજન સત્સંગ કરી હવે આ અક્ષત કળશ શહેરની દરેક સોસાયટી અને ઘરે પહોંચાડી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવશે.
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ ડીસા વિભાગ મંત્રી કિશોરભાઈ માળીએ જણાવ્યું હતું કે, વર્ષોથી હિન્દુ સમાજ જેની રાહ જોઈ રહ્યો હતો તે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર તૈયાર થઈ ગયું છે. જેનું 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન થનાર છે. જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ગામે ગામ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે અયોધ્યાથી કળશ આવી ગયા છે અને એ કળશ અક્ષત લોકોના ઘર સુધી પહોંચાડી આમંત્રણ નિમંત્રણ આપવામાં આવશે.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લા ભાજપમાં હોદ્દેદારોની નિમણૂંક, ડીસા શહેર અને તાલુકાના 10 કાર્યકર્તાઓનો સમાવેશ