અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ પોલીસ કમિશ્નરની ઈનામની જાહેરાત બાદ પોલીસમાં સ્ફૂર્તિ આવી, જાણો કેટલા દારૂડિયા પકડ્યા

Text To Speech

અમદાવાદ, 25 ડિસેમ્બર 2023, શહેરમાં હિટ એન્ડ રન અથવા તો ડ્રિંક એન્ડ ડ્રાઈવથી થયેલા અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં છે. તાજેતરમાં ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ દ્વારા જેગુઆર કારથી 9 નિર્દોષ લોકોને કચડી નાંખવામાં આવ્યા હતાં. ત્યાર બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા ઓવરસ્પીડના કેસ કર્યા હતાં. ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશ્નરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પકડી લાવો અને 200 રૂપિયા ઈનામ મેળવો. આ જાહેરાત થતાં જ અમદાવાદના પોલીસ કર્મીઓ ત્વરાએ કામે લાગી ગયાં છે અને માત્ર એક જ દિવસમાં દારૂ પીને ગાડી ચલાવતાં 39 લોકો સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે.

પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને દારૂના કેસ કર્યા
અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિકની જાહેરાત બાદ જાણે પોલીસ કર્મીઓમાં એક નવું જોમ જાગ્યુ હોય તેમ એક જ દિવસમાં દારૂ પીને ગાડી ચલાવતાં 39 લોકોને ઝડપી પાડવામાં આવ્યા અને તેમની સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. બીજી બાજુ શહેરમાં દારૂના વેપલાને અટકાવવા માટે પણ પોલીસ કર્મીઓમાં નવી સ્ફૂર્તિ જોવા મળી હતી.છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદમાં પોલીસે પ્રોહિબિશનના ઈંગ્લીશ અને દેશી દારૂના કુલ 132 કેસ કરી 96 આરોપીઓને પકડી 1,59,505 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કેટલા પોલીસ કર્મીઓને કેટલું ઈનામ મળ્યું એની કોઈ જાહેરાત નહીં
અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જાહેરાત કરી હતી કે,, શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતાં પકડાશે તો તેમની સામે ફરિયાદ દાખલ થશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે તેમને 200 રૂપિયા ઈનામ આપવામાં આવશે. આ ઈનામ જે વિસ્તારમાં કેસ થયો હશે તે વિસ્તારના ડીસીપી દ્વારા આપવામાં આવશે. એટલું જ નહીં આ જે ઈનામ મેળવનાર વ્યક્તિ છે તેમના સર્વિસ રેકોર્ડમાં પણ તેની નોંધ લેવાશે. હવે એક દિવસમાં આટલા કેસ કરનારા કેટલા પોલીસ કર્મીઓને ઈનામ મળ્યું એની જાહેરાત તો નથી થઈ પણ કેટલા કેસ કરવામાં આવ્યાં તેની પોલીસે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃવાઈબ્રન્ટ સમિટ બાદ ગુજરાતની પ્રથમ AC ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ ગાંધીનગરમાં દોડશે

Back to top button